Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જોડિયાધામમાં પૂ.મોરારીબાપુની નિશ્રામાં ગીતા જયંતિ ઉત્સવ ઉજવાશે

પૂ.વિરાગમુની સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત શ્રી ગીતા વિદ્યાલયમાં ૬ થી ૮ ડિસેમ્બર દરમિયાન આયોજન

 જામનગર તા.૧૬: જામનગર જિલ્લાના જોડીયા ધામ ખાતે આગામી તા.૬ ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર દરમ્યાન ૪૫માં ગીતા જયંતિ મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. પૂ.શ્રી વિરાગમુની સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત શ્રી ગીતા વિદ્યાલય જોડીયાધામ ખાતે છેલ્લા ૪૪ વર્ષથી ગીતા જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં ગીતા સંદેશનો આ ઉત્સવ ઉજવાય રહ્યો છે અને દર વર્ષે ગીતા જયંતીના દિવસે પૂ.બાપુ ગીતા સંદેશ આપે છે. આમ ગીતાજીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

જોડીયા ધામ ખાતે યોજાનાર ત્રિદિવસીય ગીતા જયંતીના ધાર્મિક પ્રસંગે સંતો-કથાકારો દ્વારા તા.૬ ડિસેમ્બર ૨૦૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૭ સતસંગ પ્રવચન કરવામાં આવશે. તા.૭ ડિસેમ્બર શનિવારે સવારે ૮ થી ૧૨ સત્સંગ પ્રવચનનો ધાર્મિક રસથાળ પીરસવામાં આવનાર છે આ ઉપરાંત શનિવારે ગીતા જયંતીની પૂર્વ સંધ્યાએ રાત્રીના ૯ કલાકે ભજન સંધ્યા પણ રાખવામાં આવેલ છે. માગશર સુદ એકાદશીના તા.૮ ડિસેમ્બર રવિવારે ગીતા જયંતી નિમિતે પૂ.મોરારીબાપુ દ્વારા સવારે ૯-૩૦ વાગ્યાથી ગીતા સંદેશ આપવામાં આવનાર છે.

શ્રી ગીતા જયંતી મહોત્સવ દરમ્યાન વિશ્વ કલ્યાણ અર્થે અને હરિ પ્રજન્નાર્થ ગીતા વિદ્યાલયના બાળકો તેમજ ભાવિકો દ્વારા સામૂહિક હોમાત્મક પાઠ અનુષ્ઠાન પણ કરવામાં આવનાર છે.

જામનગર જિલ્લાના જોડીયા ખાતે શ્રી ગીતા વિદ્યાલય, જોડીયાધામમાં ખાસ ધર્મક્ષેત્ર ખાતે આગામી તા.૬ થી ૮ ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ગીતા જયંતી મહોત્સવના ત્રિદિવસીય ધાર્મિકોત્સવમાં ધર્મપ્રેમી સર્વે ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશ શાસ્ત્રી તેમજ શ્રી ગીતા વિદ્યાલય પરિવાર જોડીયાધામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:03 pm IST)