Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જૂનાગઢ મહાનગરને મળશે સુવિધાસભર નવું હાઇરાઇઝડ કોર્ટ બિલ્ડીંગ: જૂનાગઢ શહેરના નાગરિકોની વર્ષોજૂની માંગણીનો સુચારૂ ઉકેલ લાવતા મુખ્યમંત્રીશ્રી

૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે જૂનાગઢનું ન્યાયાલય-ગ્રીન બિલ્ડીંગ-ઇકોફ્રેન્ડલી –સૌરઊર્જાનો વિનિયોગ પાર્કિંગની ખૂલ્લી જગ્યા સાથે આઇકોનિક કોર્ટ બિલ્ડીંગ જૂનાગઢનું નજરાણું બનશે

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ શહેરના નાગરિકો-નગરજનો-વકીલોની  વર્ષોજૂની માંગણીનો સુખદ અને સુચારૂ ઉકેલ લાવતાં જૂનાગઢ મહાનગરમાં સુવિધાસભર હાઇરાઇઝડ કોર્ટ બિલ્ડીંગ ન્યાય ભવનના નિર્માણ માટેનો નિર્ણય કર્યો છે

આ નવું કોર્ટ બિલ્ડીંગ ૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ, આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે

પાર્કિંગ માટે પૂરતી ખૂલ્લી જગ્યા અને સૌરઊર્જાના ઉપયોગનો કોન્સેપ્ટ પણ આ નવા નિર્માણ થનારા કોર્ટ સંકુલમાં આકર્ષણ બનશે

જૂની સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય કોર્ટ-ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજનું ભવ્ય રીતે અન્ય જગ્યાએ નિર્માણ થતાં જૂની સિવીલ હોસ્પિટલવાળી જગ્યા ખાલી થઇ છે તે જગ્યા પર આ નવું અદ્યતન ન્યાય સંકુલ નિર્માણ પામવાનું છે

મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મહાનગરના વિવિધ વિકાસ કામો અને પ્રશ્નો અંગે યોજેલ સમીક્ષા બેઠકમાં વિચાર-વિમર્શ કરીને આ નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણનો નિર્ણય કર્યો છે

(5:24 pm IST)