Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પત્રકારત્વમાં સફળતાની સાથે સાર્થકતા પણ આવશ્યક છે

પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગર દ્વારા રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિતે 'ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો' પરિસંવાદ યોજાયો

જામનગર તા. ૧૭:  પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગર દ્વારા રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિતે આયોજીત પ્રેસ સેમિનાર 'ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો' વિષય પર પરિસંવાદ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વકતા તરીકે ચિત્રલેખા સામયિકના સિનિયર કોરસપોન્ડન્ટ શ્રી જવલંતભાઇ છાયા ઉપસ્થિત રહ્યાં હતા અને ૨૧ મી સદીના ડીજીટલ યુગમાં પત્રકારત્વના બદલતા પરિણામો તથા તેના પરિણામે ઉપસ્થિત થતાં પડકારો અંગે વિશદ છણાંવટ કરી હતી.

પત્રકારત્વમાં સફળતાની સાથે સાર્થકતા પણ આવશ્યક છે તેમ જણાવતાં ચિત્રલેખાના સિનિયર કોરસપોન્ડન્ટ શ્રી જવલંતભાઇ છાયાએ ઉમેર્યું કે, કોઇ પણ નવું ટેકનોલોજીનું માધ્યમ આવે તો તે મીડિયાનું વિસ્તરણ છે, મીડિયા માટે ખતરારૂપ નથી. મીડિયા પાસે લોકો હંમેશને માટે કાંઇક મેળવવાની ભાવના રાખે છે.

મીડિયા પર લોકોને વિશેષ વિશ્વાસ હોય છે જેથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા લોકોએ હકારાત્મક પત્રકરત્વ થકી લોકોના પડખે ઉભા રહેવા નવિ પેઢીના પત્રકારોને ટકોર કરી કરતા ઉમેર્યું કે, હકારાત્મક પત્રકારત્વ તંદુરસ્ત લોકશાહીનું ઘડતર કરે છે. પશ્ચિમના ખ્યાતનામ પત્રકાર જોસેફ પોલીત્ઝરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જોસેફ પોલીત્ઝર કહેતા કે રીપોર્ટીંગ એટલે ચોક્કસાઇ, લધુતા અને ચોક્કસાઇ. તમે તમારૂ કામ ચોકકસાઇથી કરો, જે આર્ટીકલ લખો તે બને તેટલો શુક્ષ્મ લખો અને લખ્યા પછી પણ તેમા ભુલો રહેલ નથી ને તેની ચોક્કસાઇ કરો.

પત્રકારોના સિધ્ધાંતો પર પ્રકાશ પાડતા શ્રી છાયાએ કહ્યું કે પત્રકારત્વ ક્ષેત્રે શું લખવું ? કેવી રીતે લખવું ? અને શું ન લખવું ? આ પાસાઓ મહત્વનો ભાગ ભજવે છે. જેથી નવિ પેઢીના પત્રકારોએ ટેલીફોનીક રીપોટીંગ ન કરતા સ્પોટ પર જઇને રીપોર્ટીંગ કરવા જણાવેલ હતું.

પત્રકારો નર્મદ અને મેધાણીના વારસદારો છે તેનું ઉદાહરણ આપતા શ્રી છાયાએ પત્રકારત્વ ક્ષેત્રે ભાષા શુધ્ધીની  અગત્યતા સમજાવી હતી. લોકો અને તંત્ર વચ્ચે સેતુનું કામ પત્રકારાત્વ ક્ષેત્રે રહેલા લોકો કરે છે. પત્રકાર ક્ષેત્રે જોડાયેલા લોકોને પોતાનામાં કુદરતી રૂપે મળેલ ડાહપણ અને શાણપણાનો યોગ્ય ઉપયોગ કરવા પણ ટકોર કરેલ તેમણે ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનું ઉદાહરણ આપતા કહ્યું કે, પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા દરેક લોકો પાસે સુદર્શન ચક્ર હોય જ છે પણ તેને આ ચક્રનો યોગ્ય સમયે ઉપયોગ કરવા સુચન કરેલ હતું.

પોતાના અભ્યાસકાળની યાદો તાજા કરતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, હું જયારે અભ્યાસ કરતો ત્યારે તે વખતના પ્રખ્યાત ધ હિન્દુ દૈનિકના એડિટરશ્રી એન.રામના લખેલા લેખો ખૂબજ વાંચતો હતો. ઝડપથી માહિતી પત્રકારો સુધી પહોંચે તે માટે મે જામનગર જિલ્લાના વહિવટી તંત્રો ચાર્જ સંભાળતા જ એક વોટસએપ ગ્રુપ બનાવેલ હતું તેનો તેમને ખૂબજ સરસ પ્રતિભાવ મળ્યો છે. સમાચારને વ્યકિતગત અભિપ્રયથી પર રાખી પ્રસ્તુત કરવા જોઇએ, તેમ ધ હિન્દુ દૈનિકના એડિટરશ્રી એન.રામના ઉદાહરણને ટાંકીને કહ્યું હતું.

આ પરિસંવાદમાં સ્વાગત પ્રવચન કરતાં નાયબ માહિતી નિયામકશ્રી જે.ડી.વસૈયાએ આવેલ સૌ પ્રિન્ટ અને મીડિયાના પત્રકાર મિત્રોને આવકાર્યા હતા જયારે આભાર વિધી સહાયક માહિતી નિયામક(વ)શ્રી વિજય ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતી. આ સમગ્ર પરિસંવાદનું સંચાલન પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના મેનેજરશ્રી દર્શન ત્રિવેદીએ કરેલ હતું. આ પરિસંવાદને સફળ બનાવવા જિલ્લા માહિતી કચેરીના યોગેશ વ્યાસ, શ્રી જયેન્દ્રસિંહ જાડેજા, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, શ્રી કિશોર સોલંકી, શ્રી અશ્વિન રાઠોડ, શ્રી સંદિપ જોષી, શ્રી અમિત ચંદ્રાવાડિયા, શ્રી જયમેશ ગોપિયાણી, શ્રી પંકજ કલ્યાણીએ જહેમત ઉઠાવેલ હતી.    

આ પરિસંવાદમાં અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, પ્રાદેશિક માહિતી કચેરીના અધિક્ષકશ્રી જગદીશ સત્યદેવ, જામનગરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

(1:49 pm IST)