Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રાજુલા-જાફરાબાદ તાલુકાનાં કોંગ્રેસના માળખાની જાહેરાતઃ વિધાનસભા પરિવારનું સ્નેહમિલન યોજાયું

રાજુલા, તા. ૧૭ :. રાજુલામાં આહિર સમાજની વાડીમાં રાજુલા વિધાનસભા પરિવાર દ્વારા સમગ્ર રાજુલા તાલુકાનું સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરાયુ હતું. જીલ્લાના પાંચે-પાંચ ધારાસભ્યો ઉપરાંત જીલ્લા પંચાયતના પ્રમુખ તથા માજી પ્રમુખ જેનીબેન ઠુમ્મર તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જીલ્લાના હોદેદારો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

રાજુલા-જાફરાબાદ તાલુકાના કોંગ્રેસના માળખાની જાહેરાત કરવામાં આવેલ હતી. જેમાં ખાસ - ખાસ હોદ્દાઓમાં શહેર પ્રમુખ તરીકે અમિતભાઈ જોષી તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે દિપકભાઈ જાળધરા તથા લઘુમતી સેલના શહેર પ્રમુખ તરીકે રસુલભાઈ કુરેશીની નિમણૂક કરવામાં આવેલ હતી. ત્યાર બાદ સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યો પ્રતાપ દુધાત, જે.વી. કાકડીયા, વિરજીભાઈ ઠુંમર દ્વારા સૌને નવા વર્ષના હાર્દિક અભિનંદન પાઠવેલ હતા તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ ઉમેદવારને જીતાડવા આહવાન કર્યુ હતું.

કોંગ્રેસ પ્રદેશ અગ્રણી અને જાણીતા એડવોકેટ બાબુભાઈ માંગુકીયા દ્વારા પણ સૌને આવનારા વર્ષમાં સૌનુ સારૂ થાય અને ખેડૂતો વિરોધી અને લોક વિરોધી સરકાર જાય તેવો સંદેશો પાઠવેલ હતો. આ તકે જાણીતા ડોકટર અને સામાજીક કાર્યકર અને પૂર્વ ધારાસભ્ય એવા કનુભાઈ કળસરીયાએ આ લોક વિરોધી ભાજપ સરકારને ઉખેડી ફેંકવા જણાવેલ હતું. આ તકે પૂ ર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને આહિર અગ્રણી બાબુભાઈ જાલંધરા દ્વારા પણ વકતવ્ય આપેલ હતું અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા પણ લોકપ્રશ્નોને વાચા આપતુ ઉદબોધન કરેલ હતું. આ તકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાલમાં ચૂંટણી પ્રવાસે હોય તેમના લઘુબંધુ શરદભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ હતા અને પરેશભાઈ ધાનાણીનો સંદેશ પાઠવેલ હતો.

આ વિધાનસભા સ્નેહ મિલનમાં રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા સૌને આવનારૂ વર્ષ સારૂ જાય અને સૌ સુખ-શાંતિથી પોતાનુ કાર્ય કરી શકે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સાથે સાથે તેઓ દ્વારા ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા બ્લડ સ્ટોરેજ મુદ્દે ઉદઘાટન ન થવા દઈને લોક વિરોધી માનસ અખત્યાર કર્યુ હોવાનું જણાવેલ હતુ તથા શ્રી ડેર દ્વારા પોતે ૧-૧૨ મુદ્દાઓને લઈને વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં આવેલા જેમાનો મુખ્ય મુદ્દો આરોગ્યનો હતો જેના માટે વિશાળ હોસ્પીટલ માટેની જમીન ૧ાા વિઘા હાલમાં ખરીદાય ગયેલ છે તેમજ આગામી સમયમાં રમત-ગમતનું મેદાન તેમજ બીજા કેટલાક મુદ્દાઓ સંબંધે કામગીરી પૂર્ણ કરીને તેઓ દ્વારા લોકોને આપવામાં આવેલા ૧૨ (બાર) મુદ્દાઓમાં કામગીરી શરૂ જ કરી દેવામાં આવેલ છે અને તેના પરિણામો થોડા સમયમાં લોકોને ચાખવા મળશે તેવુ જણાવેલ હતું.

થોડા જ સમયમાં ડાયાલીસ કેન્દ્ર પણ શરૂ કરી દેવામાં આવનાર છે. ભાજપના લોકો દ્વારા કામગીરી તો કરવામાં આવતી નથી પરંતુ અમો કામગીરી કરી રહ્યા છીએ તેમા રોડા નાખવામાં આવે છે. જેનો જવાબ આગામી લોકસભામાં લોકો આપશે તેવું અંતમાં શ્રી અંબરીશ ડેરે જણાવેલ હતુ ત્યાર બાદ આજુબાજુ ગામોમાંથી તથા શહેરોમાંથી ઉપસ્થિત સરપંચો, આગેવાનો તથા કાર્યકરોનો  જમણવાર  પણ  યોજાયો હતો.

(1:46 pm IST)