Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જૂનાગઢ ખાતે યોજાયો રાષ્ટ્રીય પ્રેસ દિવસ

પત્રકારીતાને સમાજ ઘડતરમાં મહત્વનું પાસુ લેખાવતા જૂનાગઢ કલેકટર સૌરભ પારઘી : કોઇપણ સુરક્ષાકવચ વિના લોકસેવાને અગ્રતા આપતા ચોથી જાગીરના સ્તંભસમાન પત્રકારો સાચા લોકપ્રહરી -એસ.પી. સૌરભસિંઘ

જૂનાગઢ તા. ૧૭ : જૂનાગઢ ખાતે  ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી જૂનાગઢનાં સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે 'ડિઝીટલ યુગમાં પત્રકારત્વ સામેના પડકારો' વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ, પત્રકારશ્રીઓ અને કેમેરાપર્સનની મહેનતની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે, મીડિયાની ભૂમિકા વંચિત વર્ગોનો અવાજ બનવામાં પ્રશંસનીય છે.

છેલ્લાં વર્ષોમાં મીડિયાએઙ્ગ'સ્વચ્છ ભારત અભિયાન' અને વિવિધ રાજય અને ભારત સરકારશ્રીની યોજનાઓને આમજનતા સુધી પહોંચતી કરવામાં સારૂ એવું યોગદાન આપ્યું છે અને સ્વચ્છતાનાં સંદેશને અસરકારક રીતે આગળ વધાર્યો છે. સેવા સેતુ અને એકતા યાત્રા અને સુજલામ સુફલામ જેવી લોકોપયોગી બાબતોને સાચા અર્થમા લોકો સુધી પહોંચતી કરવામાં મીડિયાનો અનન્ય ફાળો રહ્યો છે ત્યારે પત્રકારીતાને સમાજઘડતરમાં મહત્વનું પાસુ લેખાવતા કલેકટરશ્રી પારધીએ જણાવ્યુ હતુ કે બદલતા ડિજીટલ યુગે આપણે સમાચારો સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોન મારફતે વધારે પ્રસરી રહ્યા છે ત્યારે મીડિયા ટેકનોલોજીનો આ વિકાસ મીડિયાની પહોંચ વધુ વધારશે અને મીડિયાને વધુ લોકતાંત્રિક અને સહભાગી બનાવશે.

 જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભ સિંઘે રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી જણાવ્યુ હતુ કે જેઓ રાત દિવસ અને તડકો-ટાઢ જોયા વગર કામ કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આકાર આપતાં વિવિધ સમાચારો રજૂ કરે છે. સ્વતંત્ર પ્રેસ જીવંત લોકશાહીનો ચોથો પીલ્લર છે. પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને તમામ સ્વરૂપે અભિવ્યકિતની આઝાદીને સુનિશ્યિત કરવા સરકાર કટિબદ્ઘ છે ત્યારે આપણું મીડિયા સવાસો કરોડ દેશવાસીઓની કુશળતા, તાકાત અને રચનાત્મકતા વધુને વધુ પ્રદર્શિત કરશે એવી શુભેચ્છા પાઠવી હતી. શ્રી સિંઘે પોતાનાં અભ્યાસ કાળના દિવસોને યાદ કરી આઇ.પી.એસ.ની પરીક્ષાઓમાં અખબારો અને મીડીયાની ભુમીકાની સરાહના કરતા જણાવ્યુ હતુ કે સોશ્યલ મીડિયાનો ભલે પ્રભાવ વધ્યો પણ આજેય સવારે અખબાર જોયા વિના ચલાવી શકાતુ નથી, શ્રી સૈારભસિંઘે જૂનાગઢનાં મીડિયાકર્મીઓની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જૂનાગઢનું પત્રાકારીત્વ રચનાત્મક અને હકારાત્મક અભિગમ ધરાવે છે સાથે જિલ્લાનાં કાયદો અને વ્યવસ્થાની કેટલીક બાબતોમાં મીડિયા તરફથી સારો સહકાર સાંપડી રહ્યો છે ત્યારે જુનાગઢની પોલીસ મીડિયા સાથે બંધારણીય મર્યાદામાં લોકસેવામાં કદમ મીલાતી રહેશે.

સૈારાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રીશ્રી કાર્તિકભાઇ ઉપાધ્યાય, સંદેશ દૈનિકનાં દૈનિકના બ્યુરો ચીફ ધીરૂભાઇ પૂરોહિત, પ્રસાર ભારતીનાં સંજીવ મહેતા, દુરદશર્નનાં કલ્પેશ પંડ્યાએ ડિઝીટલ યુગે પત્રકારીત્વનાં પડકારો બાબતે વિચાર ગોષ્ઠીમાં મહત્વનાં વિચારો વ્યકત કરતા જણાવ્યુ હતુ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સમૂહ માધ્યમો શું કરી શકે છે અને એવી સ્થિતિમાં પણ રાષ્ટ્ર-સમાજની સેવા માટે માધ્યમોની ભૂમિકા પડકારરૂપ બનતી હોય છે. તેવા સંજોગોમાં બિલકુલ વિચલિત થયા વગર સાચી પરિસ્થિતિ રજુ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે. સમાજમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોની ભૂમિકા અમૂલ્ય છે. વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે સમૂહ માધ્યમો કાર્ય કરે છે. માધ્યમો દૃષ્ટાંતોને ચરિતાર્થ કરી લોકો સુધી પહોંચાડે છે. સરકારી યોજના, કાયક્રમો, તેનું અમલીકરણ તથા તે સંબંધિત માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સમૂહ માધ્યમો કરે છે. કયાં શું ખૂટ છે, કયાં શું કરવું જોઈએ તે તમામ બાબતો દર્શાવવાની ભૂમિકા પણ તેઓ ખૂબ જ સારી રીતે અદા કરે છે.

કાર્યક્રમમાં ડો. હારૂન વિહળે જણાવ્યું કે દર વર્ષે ૧૬ નવેમ્બરના 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. ૪ જુલાઈ ૧૯૬૬માં ભારમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રેસ પરિષદ ૧૬ નવેમ્બર ૧૯૬૬થી પોતાના વિધિવત કાર્યની શરૂઆત કરેલ હતી. જેની યાદગીરીરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડિઝીટલ યુગે પત્રકાર તરીકે વ્યકિતની ઘણી વિશાળ જવાબદારીઓ રહેલી છે. પત્રકારો અને સમૂહ માધ્યમ સાથે સંકળાયેલાઓએ કેટલીક બાબતોની કાળજી રાખવી આવશ્યક છે. પત્રકારો વિકટ પરિસ્થિતિમાં કાર્યો કરતા હોય છે. લોકો આજની ભાગદોડ ભર્યા જીવનમા આપણે ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં સમાચાર જોવાનું ચુકતા નથી,એ પછી ટીવીના માધ્યમથી હોય કે પછી મોબાઇલ ફોન દ્વારા પરંતુ સમાચાર નિયમિત પણે જોઈએ છીએ. આ સમચાર જન-જન સુધી પોહચાડ્વા પાછળ મીડિયા ઘણી બધી મહેનત કરતી હોય છે કે લોકો સુધી સાચા સમાચાર પહોચી શકે પરંતુ શું તમને ખબર છે આજનો દિવસ એટલે કે ૧૬ નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવાય છે. મીડિયા એક એવું માધ્યમ છે જેના દ્વારા નાગરિકોમાં મૂળભૂત ફરજો અને તેમના હકો વિષે જાગરૂકતા લાવી શકાઈ છે અને મીડિયા તેની આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવે છે.

કાર્યક્રમનાં પ્રારંભે ઇ.ચા. સિનિયર સબ એડીટર અશ્વિન પટેલે આમંત્રીત અધિકારીશ્રીઓ અને મીડીયાકર્મી અને તંત્રીશ્રીઓને આવકારી કાર્યક્રમનો હેતુ રજુ કર્યો હતો. કાર્યક્રમનાં અંતે નાયબ માહિતી નિયામકશ્રી રાજુ જાનીએ ઉપસ્થિત મહાનુભાવ અને મીડીયાકર્મીઓનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ટેકનીકલ આસી. પી.એસ.ભટ્ટ, અધિક્ષકશ્રી જેન્તીભાઇ ગઢીયા, સહાયક અધિક્ષકશ્રી અશોકભાઇ સવસાણી, ભાલચંદ્ર વિંઝુડા, સહાયકશ્રી ધીરૂભાઇ વાજા, બીપીનભાઇ જોષી, હનિફભાઇ બારેજીયા, આસીફભાઇ શેખ સહિત માહિતી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:43 pm IST)