Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જેતપુર પાસે બે અકસ્‍માતમાં બે નાં મોત

પરિક્રમામાં જતા લોધીકાના કોઠાપીપળીયાના જેન્‍તીભાઇ પરમારનું ડમ્‍પર હડફેટે મોતઃ જેતલસર પાસે કાર હડફેટે જુની સાંકળીના પરિવારના એકલોતાપુત્ર હેમલનું મોત

નવાગઢ પાસે અકસ્‍માતમાં મોતને ભેટેલ પ્રોૈઢનો મૃતદેહ અને બંન્ને વાહનો નજરે પડે છે.(તસ્‍વીરઃ કેતન ઓઝા, જેતપુર)

જેતપુર તા. ૧૭: જેતપુર પંથકમાં અકસ્‍માતના અલગ -અલગ બે બનાવોમાં બેના મોત થયા હતા. જેમાં પરિક્રમામાં જતા પ્રોૈઢને આંતરીયાળ કાળ ભેટી ગયો હતો.

પ્રથમ બનાવમાં લોધીકા તાલુકાના કોઠા પીપળીયા ગામે રહેતા જેન્‍તીભાઇ જેરામભાઇ પરમાર (ઉ.વ.૫૫) ગઇકાલે જુનાગઢ ખાતે ગરવા ગીરનારની પરિક્રમા કરવા પોતાનું બાઇક હોન્‍ડા નં. જી.જે. ૦૩ એફઆર ૧૨૪૯ વાળુ લઇ નીકળેલ જેઓ શહેરના નવાગઢ સેન્‍ટ  ફ્રાંસીસ સ્‍કૂલ પાસે પહોંચતા પાછળથી ફુલ સ્‍પીડે આવતા ડમ્‍પર નં. જી.જે. ૨૪ જી ૯૨૫૩ના ચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા જેન્‍તીભાઇના બાઇકને હડફેટે લેતા જેન્‍તીભાઇ ફંગોળાય રોડ પર પટકાતા ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે જ મોત નિપજેલ પોલીસે તેના મૃતદેહને પીએમ માટે હોસ્‍પિટલ ખાતે લાવી તેના પરિવારજનોને જાણ કરી તેના પુત્ર વિજયભાઇની ફરિયાદ પરથી ડમ્‍પર ચાલક વિરૂદ્ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જયારે અકસ્‍માતના બીજા બનાવમાં તાલુકાની જુની સાંકળી ગામે રહેતા નરેન્‍દ્રભાઇ નારણભાઇ વાલાણી નો પુત્ર હેમલ (ઉ.વ.૨૦) તથા પુત્રી નિરાલી (ઉ.વ.૧૭) બન્ને ભાઇ બહેન તેમની જેતલસર રોડ પર આવેલ વાડીયે થી ઘરે તેમના બાઇક હોન્‍ડા પર પરત ફરતા હતા ત્‍યારે પાછળથી ફોરવ્‍હીલ હ્યુન્‍ડાઇ કંપનીને નં. જી.જે. ૫ જે. એસ ૨૮૦૪ ના ચાલકે હડફેટે લેતા બંન્ને ભાઇ બહેન ફંગોળાતા હેમલને માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.

જયારે નિરાલીને ઇજાઓ પહોંચતા તુરંત જેતપુર સરકારી હોસ્‍પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ નરેન્‍દ્રભાઇને સંતાનમાં એકનો એક પુત્ર હોય તેના મૃત્‍યુથી પરિવાર ઉપર આભ ફાટી પડયું છે.

(1:23 pm IST)