Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સવારે ગીરનાર જંગલનાં દ્વાર ખુલતા પરિક્રમા માટે યાત્રિકોનો ભારે ધસારો

સોમવારે પરિક્રમાનો પ્રારંભ ઔપચારિક બની રહેશેઃ ભાવિકો ટ્રેન પર બેસીને જૂનાગઢ પહોંચ્‍યાઃ ભવનાથ વિસ્‍તાર રાતથી જ ભરચકક

ગરવા ગિરનારી પરિક્રમા માટે ભાવિકોનું અવિરત આગમનઃ જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જો કે વિધિવત રીતે દેવદિવાળી સોમવારથી પ્રારંભ થાય છે પરંતુ ઉતાવળીયા પરિક્રમાર્થીઓના ધસારાને લઈ તંત્ર અને વન વિભાગ દ્વારા ગત રાત્રે ૧૨ કલાક વન વિભાગ દ્વારા દરવાજો ખોલી યાત્રિકોએ પ્રવેશ શરૂ કરાયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં પરિક્રમાને લઈ યાત્રાળુઓનો સતત વહેતા પ્રવાહથી ઠેર ઠેર ટ્રાફીકજામના દ્રશ્‍યો જોવા મળતા હતા. એસટી, રેલ્‍વે સ્‍ટેશને સતત યાત્રિકોનું આગમન થઈ રહ્યુ છે. ભવનાથ તળેટીમાં પણ પગ મુકવાની જગ્‍યા ન મળે તેવો ટ્રાફીક જોવા મળી રહ્યો છે. તેમજ પરિક્રમા રૂટ પર પ્રવેશ શરૂ કરાયા બાદ આગળ વધતા પરિક્રમાર્થીઓ નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)(૨.૧૨)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: સવારે ગીરનાર જંગલનાં દ્વાર ખુલતાની સાથે જ પરિક્રમા માટે હજારો યાત્રિકોએ ધસારો કર્યો હતો. આથી સોમવારે પરિક્રમાનો પ્રારંભ માત્ર ઔપચારિક બની રહેવાની શકયતા જોવાઇ રહી છે.

દેશ-વિદેશમાં વિખ્‍યાત ગિરીવર ગિરનાર ફરતેની ૩૬ કિ.મી.ની પાવનકારી પરિક્રમાનું કાઉન્‍ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જો કે ગીરનાર પરિક્રમાનો વિધિવત અને સતાવાર પ્રારંભ સોમવારે કારતક સુદ અગિયારનાં પાવન દિવસની મધરાત્રે થશે.

અગાઉની જેમ આ વર્ષે પણ પરિક્રમા કરવા માટે ભાવિકોનું બે દિવસ વહેલું આગમન શરૂ થઇ ગયું છે. ગઇકાલે આખો દિવસ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ વહેતા રાત્રે તળેટી વિસ્‍તાર ભરચકક થઇ ગયો હતો.

ભકિત, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ ગિરનાર પરિક્રમામાં જોડાવવા માટે ગઇકાલની માફક આજે ભાવિકો ટ્રેન પર બેસીને જુનાગઢ પહોંચ્‍યા હતા.

સોમવારથી શરૂ થનારી લીલી પરિક્રમા માટે આ વખતે વન વિભાગે જંગલનું પ્રવેશ દ્વાર બે દિવસ વહેલો આજે સવારે છનાં ટકોરે ખોલવામાં આવતા ઇટવા-રૂપાયતન ગેટ ખાતેથી પરિક્રમાર્થીઓએ પરિક્રમા માટે ભારે ધસારો કર્યો હતો.

વન વિભાગ દ્વારા દર વર્ષે રાત્રે ગેટ ખોલવામાં આવતા આ વર્ષે આજે જ ગેટ ખોલી નાખવામાં આવતા પરંપરા તુટી છે.

આમ ગિરનાર પરિક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવતાં વહેલી પૂર્ણ થવાની પણ શકયતા છે અને પાંચ દિવસની પરિક્રમા મોટા ભાગનાં ભાવિકો એક-બે જ દિવસમાં પુણ્‍યનું ભાથું બાંધીને રવાના થઇ જશે.

વહીવટી, પોલીસ, વન અને આરોગ્‍ય સહિતનાં વિભાગો દ્વારા જરૂરી તમામ સુવિધાઓની ગોઠવણ કરવામાં આવી છે. એસ. પી. સૌરભસિંઘ દ્વારા ઠેકઠેકાણે રાવટીઓ શરૂ કરીને પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવેલ છે.

ભવનાથ તળેટીથી શરૂ થતી આ પરિક્રમાનાં રૂટ પર કુલ પાંચ ઘોડી આવેલ છે જેની ઉંચાઇ પ૦૩ ફુટથી લઇ ૧૭૦૬ ફુટની સૌથી ઉંચી અને આકરી નળપાણીની ઘોડી વટાવ્‍યા બાદ પરત ભવનાથ આવીને ગિરનાર પરિક્રમા પૂર્ણ થશે.

(12:09 pm IST)