Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

નવસારી : પોલીસનો બાતમીદાર રૂ. ૬૯ લાખની જૂની ચલણી નોટો સાથે ઝડપાયો

હજુ ૫૦૦ - ૧૦૦૦ની નોટોની હેરાફેરી ચાલુ...

સુરત તા. ૧૭ : શુક્રવારે નવસારી શહેરના વીરંજલિ માર્ગ પર આવેલા રેલવે અંડરપાસ નીચેથી પોલીસનો બાતમીદાર અને તેનો સાથી રૂપિયા ૬૯ લાખની જૂની ચલણી નોટો સાથે ઝડપાયા. પકડાયેલી બંને આરોપીઓ પાસેથી રૂ. ૧૦૦૦ અને ૫૦૦ની કુલ ૧૨,૩૬૪ નોટો મળી આવી.

નવસારી ટાઉન સર્વેલન્સ દ્વારા પકડાયેલો મોહમ્મદ ઝુબેર ઝવેરી અલિયાસ ઝુબેર ચોકસીએ ૧૯૯૯માં રીઢા ગુનેગાર ફારુક મુનશીના એન્કાઉન્ટર સમયે પોલીસને મહત્વપૂર્ણ બાતમી આપી હતી. ઝવેરી અને તેનો સાથીદાર વ્યકિત રમેશ રાવલ વરાછા વિસ્તારના રહેવાસી છે.

અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે સર્વેલન્સ સ્કવોડના બે કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે બે વ્યકિત નંબર વિનાના બાઈક પર અગ્રવાલ કોલેજ પાસેને રેલવે અંડરબ્રિજ તરફ જૂની ચલણી નોટો લઈને આવી રહ્યા છે. સબ ઈન્સ્પેકટર એસ.એફ ગોસ્વામીના નેતૃત્વમાં બંને વ્યકિતએ પર નજર રાખવામાં આવી હતી. આ બંને અંડરપાસ નીચે બેગ પકડીને ઊભા હતા અને કોઈ અન્ય વ્યકિતની રાહ જોઈ રહ્યા હતા.

જયારે લાંબો સમય વિત્યા બાદ પણ કોઈ બેગ લેવા માટે ન આવ્યું તો સ્કવોડના મેમ્બરે તેમને ઘેરીને પકડી લીધા. ગોસ્વામીએ જણાવ્યું કે, ચોકસી અને રાવલ જૂની ચલણી નોટોને નવી નોટો સાથે બદલવા માટે નવસારી આવ્યા હતા. તેમણે હજુ સુધી નોટો બદલી આપનાર વ્યકિતનું નામ જણાવ્યું નથી. જોકે તેમણે જણાવ્યું કે ખરીદદાર ૯ ટકા કાપીને જૂની નોટો બદલી આપવા માટે તૈયાર હતો. અમે ઈન્કમટેકસ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી દીધી છે. વધારે તપાસ માટે નોટોને આઇટી ડિપાર્ટમેન્ટમાં જમા કરી દેવામાં આવશે.

(11:17 am IST)