Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮મી ડિસેમ્બરે નેશનલ લોકઅદાલત

ખંભાળિયા આઇટીઆઇ ખાતે સોમવારે મેગા જોબફેરનું આયોજન

દેવભુમિ દ્વારકા તા.૧૭ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાની  તમામ કોર્ટમાં તા.૮ ડિસેમ્બરને શનિવારે ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, લેબર તકરારના કેસ, જમીન સંપાદન કેસ, વિજળી અને પાણી બીલ તથા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ,(ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઇ હુકમના દાવા, વિશિષ્ટ દાદ અને કરાર પાલન) વિગેરેના કેસ, તથા અન્ય કેસ માટેની નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માંગતા હોય, તેઓના વકિલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તે કોર્ટમાં કેસ લોક અદાલતમા મુકવા અનુરોધ છે. લોક-અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમા પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે. અને તેનાથી લોકોને ઝડપી ન્યાય મળી શકે છે.

વધુમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરી નિકાલ કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. તેમજ લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવી હોય, તો જિલ્લા કાનુની સેવા સતા મંડળનો ફોન નં.૦૨૮૩૩ ૨૩૩૭૭૫ ઉપર સંર્પક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો જે તે તાલુકા કોર્ટનો સંર્પક કરવા જિલલા કાનુની સેવા સત્તામંડળ દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે

આઇ.ટી.આઇ.ખંભાળીયા ખાતે જોબફેર યોજાશે

રાજયમાં રોજગાર નીતિ ને ધ્યાનમાં રાખીને રોજગાર ક્ષેત્રે યુવાનોનું પ્રતિનિધિત્વ વધે તે ઝુંબેશ સ્વરૂપે જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. ખંભાળીયા ખાતે તા.૧૯ને સોમવારે સવારે ૧૦ કલાકેથી આ જોબફેર શરૂ કરવામાં આવશે. આ જોબફેરમાં જુદા જુદા સર્વીસ/મેન્યુફેકચર/ટ્રેડીંગ સેકટરના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ રોજગારવાંચ્છું ઉમેદવારો પોતાના પગભર થઇ શકે અને પોતાનો ધંધો-રોજગાર સ્થાપિત કરી શકે તે માટે સ્વરોજગાર શિબિરનું પણ આયોજન કરેલ છે. આ  જોબફેર-સ્વરોજગાર શિબિરમાં ધોરણ  ૧૦-૧૨ ગ્રેજયુએટ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમરમર્યાદા ૧૮ થી ૩૫ રહેશે. નોકરીદાતાઓ સ્થળ પર હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરશે. આ જોબફેરમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઈન્ટરવ્યુંમાં ઉપસ્થિત રહી શકાશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ બાયોડેટા સાથે ઈન્ટરવ્યુંમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ જોબફેર- સ્વરોજગાર શિબિરમાં રોજગાર કચેરી-દેવભૂમિ દ્વારકા ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકાશે. રજીસ્ટ્રેશન સ્થળ પર જ કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(11:14 am IST)