Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે પ્રાધ્‍યાપક તખ્‍તસિંહજી પરમાર જન્‍મ શતાબ્‍દી અભિવાદન

ભાવનગર, તા. ૧૭ : ભાવનગર મહારાજા વિજયરાજસિંહ દ્વારા પ્રારંભાયેલ બુધવારિયા બંગલાની સાહિત્‍ય પ્રવૃતિને આગળ ધપાવતા વર્ષ ૧૯૮૦માં પ્રાધ્‍યાપક તખ્‍તસિંહજી પરમાર દ્વારા સ્‍થાપિત બુધસભાના ઉપક્રમે તા. ૧૮ના નીરક્ષીર-જાહ્‌નવી સ્‍મૃતિ કાર્યક્રમ યોજાશે.

ગુજરાત ભાષાને રાષ્‍ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર કવિ રાજેન્‍દ્ર શુકલ તથા પદ્મશ્રી ડો. એમ.એચ. મહેતાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર સમારંભમાં ભાવનગરના કવયિત્રી સ્‍વ. ભાગીરથીબહેન મહેતાની સ્‍મૃતિમાં કવયિત્રી પ્રાધ્‍યાપક ડો. ઉષાબહેન ઉપાધ્‍યાયનું ટ્રોફી, રૂા. ૧૧૦૦૦/- તથા શાલથી સન્‍માન કરવામાં આવશે.

શિશુવિહાર પ્રાંગણમાં આગામી રવિવારે સવારે ૧૧ કલાકે યોજાનાર સમારોહમાં નિરક્ષીર પુષ્‍પ રર તથા જાહ્‌નવી સ્‍મૃતિ ર૪ના વિમોચન સાથે શ્રી ભાગીરથીબહેન મહેતા દ્વારા લિખિત ષાી સંત રત્‍ન'નું વિમોચન કરવામાં આવશે.

ગુરૂજીના હુલામણા નામથી જાણીતા આદરણીય તખ્‍તસિંહભાઇના શતાબ્‍દી વર્ષ પ્રસંગે યોજાતા કાર્યક્રમ સમયે તેઓશ્રીનો સાહિત્‍ય વારસાને જાળવી રાખનાર મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી યુનિવર્સિટીના ભાષા-ભવનના અધ્‍યક્ષ પ્રા. ડો. મહેન્‍દ્રસિંહ પરમારનું પ્રતિક અભિવાદન કરવામાં આવશે.

સેવા અને સાહિત્‍યની ભૂમિ તરીકે જાણીતા ભાવનગરના સંસ્‍કાર વારસાને ગૌરવ અપાવનાર શિશુવિહાર બુધસભાના ૧૯૯૪મી બેઠકમાં સામેલ થવા નગરજનોને નિમંત્રણ પાઠવાયું છે.

 

(10:46 am IST)