Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

ભાવનગરમાં નળ દ્વારા પાણી વિતરણમાં પાણીમાં માછલીઓએ દેખા દીધી

શહેરની એકથી વધુ સોસાયટીમાં પાણી વિતરણ સમયે નળમાંથી માછલી નિકળી પડતા આશ્ચર્ય

વનગર : ભાવનગરની કેટલીક સોસાયટીઓમાં પાણી વિતરણ સમયે નળમાંથી નાનીનાની માછલીઓ નિકળતા લોકોમાં આશ્ચર્ય સાથે નગરપાલિકાની બેદરકારી બદલ ટીકા થતી હતી.

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ઘણા વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યાં છે. ત્યારે શહેરના જવેલ્સ સર્કલ પાસે આવેલી બે થી ત્રણ સોસાયટીમાં પીવાના પાણીમાં જીવતી નાની-નાની માછલીઓ આવી રહી છે. ત્યારે લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમસ્યાને લઈ ગૌરીશંકર સોસાયટી અને શિવમનગર વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ અધિકારીઓને જાણે લોકોની કઈ ચિંતા ન હોય તેમ માત્ર મુક પ્રેક્ષક બનીને સમસ્યાનું નિવારણ વગર પાણીનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું છે.

એક તરફ કોરોના મહામારી બાદ ડેન્ગ્યુ અને તાવના કેસમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની જવાબદારી પાણીના મોટા-મોટા ટેક્સ વસૂલ કરતી ભાવનગર મહાનગરપાલિકાની બને છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ જ છે કે ક્યાં કારણે પીવાના પાણીમાં નાની-નાની જીવતી માછલીઓ આવી રહી છે ?

રહીશ છાયાબેન બારોટે જણાવ્યું હતું કે, અમે ગૌરી શંકર સોસાયટીમાં અમારે થોડા દિવસથી પાણીમાં માછલીઓ આવી રહી છે. પાણી તો દરેક જગ્યાએ ફિલ્ટર થઈને આવી રહ્યું છે, તો પછી આ પાણીમાં માછલીઓ ક્યાંથી આવે છે. ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારીની ત્રણ ચાર દિવસથી રજૂઆત કરી હોવા છતાં પણ શાં માટે અધિકારીઓ સમસ્યાનો ઉકેલ કરી શક્યા નથી. સ્થાનિકોએ જણાવ્યું કે, જે રીતે પાણીના દર વર્ષે ટેક્સ વસૂલ કરો છો તેવી જ રીતે પાણીનાં પ્રશ્નનું નિરાકરણ કરો અન્યથા ના છુટકે કોર્પોરેશન પહોંચી આંદોલન કરવું પડશે તેવી સ્થાનિક વિસ્તારના લોકોએ ચીમકી આપી હતી.

વોટર વર્ક્સ અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે, ગૌરીશંકર સોસાયટીમાં આવેલા એક ઘરને બાદ કરતાં એકપણ ઘરમાં પાણીના કનેકશન છે જ નહીં.! છતાં પણ ફરિયાદ મળી છે તેને લઈ અમે કામ શરૂ કરી દીધુ છે. આ સોસાયટીના મોટાભાગના લોકો કોર્પોરેશનનું પાણી લેતા જ નથી, દૂષિત પાણીની જે ફરિયાદ આજે આવી છે તે જોઈને તેનું પણ કામ કરવામાં આવશે.

આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, ફરિયાદની તાત્કાલીક સબંધિત અધિકારીને જણાવીને પીવાના પાણીમાં માછલી આવવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

 

(12:23 pm IST)