Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

બાબરા માર્કેટયાર્ડની અનોખી પહેલ : કપાસની ચિક્કાર આવક થતા હવે કપાસના ફાલની સીધી હરાજી કરાશે

ખેડૂતો, વાહનચાલકો અને વેપારીનો સમય બચશે : માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 22,000 મણ કપાસની આવક થતા માર્કેટ યાર્ડ કપાસથી છલકાયું

અમરેલી જીલ્લાના બાબરા માર્કેટયાર્ડ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં વાહનોમાં આવતા કપાસના ફાલની સીધી હરાજી કરવામા આવશે, જેથી ખેડૂતો, વાહનચાલકો અને વેપારીનો સમય બચશે.આ તરફ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 22,000 મણ કપાસની આવક થતા માર્કેટ યાર્ડ કપાસથી છલકાયું છે. કપાસના પ્રતિ મણ રૂ.890 થી 1655 સુધીના ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને ખેડૂતો પહેલી વીણીનો કપાસ ખેતરેથી લઈને સિધા માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા છે.

બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. આ અંગે બાબરા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન બીપીન રાદડિયા એ જણાવ્યું કે બાબરા માર્કેટ યાર્ડમાં 18,000 મણથી કપાસની આવક શરૂ થઇ છે. તેમણે કહ્યું કે ખેડૂતોને અહી પોષણક્ષમ ભાવો મળી રહ્યાં છે.

બાબરા માર્કેટયાર્ડના વેપારી ટીકુભાઈ જીયાનીએ કહ્યું કે બાબરા માર્કેટયાર્ડમાં દરરોજ 20,000 મણથી વધુ કપાસની આવક થઇ રહી છે. તેમણે કહ્યું 20 થી 25 હજાર મણ કપાસની આવક થવાની સાથે બાબરા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પણ સારા ભાવો મળી રહ્યાં છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસના સારા ભાવ મળતા આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ પોતાનો કપાસ લઈને બાબરા માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યાં છે.

(11:14 pm IST)