Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગુજરાતના એક માત્ર સિલાઇ મશીનથી ચિત્રકામ કરતા વાંકાનેરના ભરવાડ વિનુભાઇનું કોરોના લીધે અવસાન

(ભાટી એન દ્વારા) વાંકાનેર, તા., ૧૭: સમગ્ર ગુજરાતમાં સિલાઇ મશીનના સિંગલ દોરાની લાઇનીંગ વર્કથી ડીઝાઇન એકસ્ટ્રા ઓર્ડીનરી કરનાર એક માત્ર દરજી ચિત્રકાર વિનોદરાય રતીલાલ ગોહેલ ઉંમર વર્ષ ૬૦ જેઓ ભરવાડ જ્ઞાતિના બેનમુન કેડીયામાં સિલાઇ મશીનથી ચિત્રો દોરનાર દરજી કલાકારને તા.૧૧-૧૦-ર૦ર૦ના રોજ કોરોના પોઝીટીવ થતા અને તબીયત ખરાબ હોવાથી પોતાનું વતન વાંકાનેર જીનપરા ખાતે રહેતા હતા તેમને મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ ત્યાં દિન પ્રતિદિન વિનોદરાય (વિનુભાઇ)ની તબીયત ખરાબ થવા લાગી અને છેલ્લા બે દિવસથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ વિનુભાઇને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ થતી હતી અને અશકિત વધતા તા.૧૬-૧૦-ર૦ર૦ના સવારે વિનુભાઇ ગોહેલે છેલ્લા શ્વાસ લીધા હતા અને તેમનું કોરોનાના કારણે અવસાન થયું છે. મોરબી ખાતે તેમનો પુત્ર કિશન ગોહેલને પરીવારે છેલ્લા દર્શન ડિસ્ટીન્સીંગ રાખી કરેલ.

વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર આવેલ ખુબ જ પ્રાચીન ટેઇલરની દુકાન છે અને છેલ્લા ૮૦ વર્ષથી આ ટેઇલરની દુકાન કેશવજી મુળજી ગોહેલે નાખી હતી ત્યાર બાદ રતીલાલ કેશવજીને પછી તેના પુત્ર વિનોદરાય ગોહેલે ત્રીજી પેઢીએ ભરવાડ, રબારીના કપડા સીવતા તેમાં સમગ્ર ગુજરાતમાં શ્વેત (સફેદ) કાપડનું કેડીયુ અને તેમાં સિલાઇ દોરાથી બારીક નકશી કામના કલાકાર વિનુભાઇ એક જ કરતા હતા.

હવે ગુજરાતમાં કેડીયા ઉપર આ સિલાઇ મશીનથી ચિત્રો દોરનાર હવે કોઇ કલાકાર નથી રહયો.

ભરવાડ જ્ઞાતિના લોકો કેડીયુ, ચોરણા અમુક પેટન્ટની ડીઝાઇન કરાવે સૌરાષ્ટ્રની ઓળખ સમાન કેડીયામાં મુખ્ય ત્રણ પ્રકાર રંગોના શ્વેત (સફેદ), લાલ, મરૂન (ચોકલેટ)ની ભાત દોરાવે યુવાન ભરવાડ લાલ, મરૂન દોરાના ચિત્રણ કરાવે તેમાં કુલ , ચકલા, મોર, ચક્કર વેલ, પાન દોરાવે વિનુભાઇ લાઇનીંગ વર્કથી સિલાઇ કામથી પેનના લસરકા જેમ ડ્રોઇંગ લાઇનીંગ વર્ક કરે સૌરાષ્ટ્રના ભરવાડ પુરૂષો પ્રણાલીગત ડિઝાઇન બનાવતા કેડીયુ બનાવતી વખતે કાપડ નીચે અસ્તર રાખવાથી ડીઝાઇન લાઇન બંધ થાય, એક કેડીયુ બનાવવામાં સાત મીટર કાપડ વપરાય. ને સાડા બાર મીટરનો ફરતો ઘેર કેડીયામાં રાખીએ ૪૬ ઇંચ ગોળાઇમાં ચપટી મારતુ જવાનું તે તેમાં સાડા બાર મીટર કાપડને સમાડી દેવાનું તેમાં તેમની કોઠાસુઝ કામ કરતી હોય છે. એ કેડીયુ બનાવતા આખો દા'ડો થાય . કેડીયામાં કટીંગ, ડ્રોઇંગ અને ડિઝાઇન બનાવીએ છીએ જો કે હવે ભરવાડમાં કેડીયુ પહેરનાર વર્ગ ઓછો થતો જાય છે. પશુ પાલકો હવે પેન્ટ, બુશર્ટ તરફ વળવા લાગ્યા છે. તેમ છતા હજુ અમુક ભરવાડ લોકો લગ્ન પ્રસંગે વિનુભાઇએ બનાવેલ કલાત્મક કેડીયુ પહેરવાનો આગ્રહ રાખતા તો અમુક રાસ મંડળીઓ વિનુભાઇએ બનાવેલ કેડીયુ પહેરી રાસ રમતા ગુજરાતમાં માત્રને માત્ર પરફેકટ સિલાઇ કલા વિનુભાઇ ગોહેલ એકલા જાણતા હતા.

(11:51 am IST)