Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કમણાપુરમાં પંચાયત ઘરનું લોકાર્પણ

જસદણ તાલુકાના કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દરેક ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામ પંચાયત ઘરની સુવિધા પુરી પાડવા કાર્યરત છે. ગ્રામ પંચાયત એ ગામની શોભા છે. અહીંથી ગામના આગેવાનો રાજય સરકારની યોજનાઓ અને સવલતોનો લાભ ઘર ઘર સુધી પહોંચાડે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રજુ કરેલ ડિજિટલ સેવા સેતુનો લાભ આધુનિક ગ્રામ પંચાયતના નિર્માણ થકી ગ્રામજનોને મળી શકશે તેમ શ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહ્યા હતાં. કમળાપુર ખાતે નિર્મિત પંચાયત ઘરમાં બે માળ છે, જેમાં બે ઓફિસ અને એક વિશાળ હોલ છે. કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ પંચાયત ઘરથી જનસુવિધામાં વધારો થશે તેમ ગામના સરપંચ શ્રી ધીરૂભાઈ રામાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું. આ પ્રંસગે અગ્રણીઓ ખોડાભાઈ ખસિયા, વલ્લભભાઈ રામાણી, નીતાબેન મકવાણા, તાલુકા વિકાસ અધિકારી સી. ડી. ભીમોરા, જસદણ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એફ. બી. ડાંગર, તલાટી મંત્રી આકાશગીરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:51 am IST)