Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મોરબી : ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયાને હાર્દિક પટેલે માનહાનીની નોટીસ ફટકારી

હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે આર્થિક વ્યવહારના કર્યા હતા આક્ષેપોઃ ૧૦ દિવસમાં માફી પત્ર મોકલવા તાકિદ, નહિ તો કાનૂની રાહે લડત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૭ : જીલ્લા પંચાયતના પ્રમુખ ગઈકાલે જ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષમાંથી તેઓએ દાવેદારી કરી હતી જોકે ટીકીટ કપાઈ જતા ભાજપમાં જોડાયા હતા તે સમયે મીડિયામાં તેમણે હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામે આર્થીક વ્યવહારના આક્ષેપ કર્યા હતા જેને પગલે હાર્દિક પટેલે વકીલ મારફત માનહાની અંગે નોટીસ ફટકારી છે.

હાર્દિક પટેલના વકીલ એ જે યાજ્ઞિક મારફત કિશોર ચીખલીયાને માનહાની નોટીસ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હાર્દિક પટેલ સામાજિક કાર્યકર, પાટીદાર સમાજ આગેવાન અને કોંગ્રેસ પક્ષના ગુજરાતના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે ત્યારે કિશોર ચીખલીયાએ ભાજપમાં જોડાયા તે સમયે મીડિયાને સંબોધન વેળાએ તેનું નામ ફાઈનલ હતું અને આર્થિક વ્યવહારો થઇ ગયા ભાઈ હાર્દિક પટેલ અને લલિત કગથરાએ આર્થિક વ્યવહારો કરીને તેને નીચે પછાડવામાં આવ્યાના આક્ષેપો કર્યા હતા અને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યું હતું.

વકીલે નોટીસમાં જણાવ્યું છે કે, મારા અસીલ હાર્દિક પટેલને જાહેરમાં બદનામ કર્યા છે જેથી નોટીસ મળ્યે ૧૦ દિવસમાં આપે કરેલા આક્ષેપો પુરાવા રજુ કરવા તક આપવામાં આવે છે અને પુરાવા ના હોય તો મારા અસીલને પત્ર લખીને કરેલ આક્ષેપો લેખિતમાં પાછા ખેચી માફી માંગતો પત્ર ૧૦ દિવસમાં મોકલી આપવા જણાવ્યું છે અન્યથા ફોજદારી અને દીવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

નોટીસ હજુ સુધી મળી નથી : કિશોર ચીખલીયા

જે અંગે કિશોર ચીખલીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ નોટીસ હજુ સુધી તેમણે મળી નથી નોટીસ મળ્યા બાદ યોગ્ય પ્રત્યુતર આપશું તેમ જણાવ્યું હતું.

(11:48 am IST)