Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કચ્છમાં ૪૯પ૩ ચોરસ કિલોમીટરના વિસ્‍તારમાં ફેલાયેલ નાના અભ્યારણ્યના દરવાજા ખુલ્યાઃ ઘુડખર નિહાળવા ઉમટતા પ્રવાસીઓ

કચ્છ :4953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ કચ્છના નાના અભ્યારણને ગઈકાલે પર્યટકો માટે ખુલ્લુ મૂકાયું છે. અહીં મુસાફરો વિદેશી પક્ષી તેમજ ઘુડખર માણે છે. જેને જોવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. જે આ કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. તેથી જ તે ઘુડખર અભ્યારણ્ય તરીકે પણ ઓળખાય છે.

હાલ શિયાળાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે રણની અંદર વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે ફ્રી કેમ્પનું આયોજન થાય છે. 15 ઓક્ટોબરથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે આ ઘુડખર અભ્યારણ્યની મુલાકાત લેનાર પર્યટકોની સંખ્યા 25,000થી વધુ હતી. જેમાં 2500 જેટલા વિદેશી પ્રવાસીઓ હતા. ગત વર્ષે આ પ્રવાસીઓ થકી અભ્યારણ્યને 35 લાખથી વધુની આવક થઈ હતી. આમ, ગુજરાત ટુરિઝમ વિકસવાને કારણે દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લી ગણતરી મુજબ નાના રણમાં ઘુડખરની સંખ્યા 4450 જેટલી નોંધાયેલ છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે રણની અંદર હજુ પણ પાણી ભરાયા છે. જેથી પ્રવાસીઓ માટે રણની અંદર જવું મુશ્કેલ છે. ત્યારે હજી રણની અંદર રહેલ પાણીને ઓસરતા લગભગ 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે. તો બીજી તરફ, સારો વરસાદ થયો હોવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે તેવું અભ્યારણ્યના નાયબ વન સંરક્ષક એસ.એસ અસોડાએ જણાવ્યું હતું.

(5:47 pm IST)