Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદરમાં દિવાળી પહેલા રેશનીંગ પુરવઠો ન આવતા રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં

ગોસા (ઘેડ) તા.૧૭ : અડધો માસ વિતવા છતા સસ્તા પોરબંદરમાં અનાજની દુકાને રેશનીંગ પુરવઠો નહી આવતા ગરીબ લોકો દિવાળીના તહેવાર ટાણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

રાજય સરકાર તરફથી સસ્તા અનાજ (પંડીત દિન ગ્રાહક ભંડાર)ની દુકાનેથી રેશનીંગનો પુરવઠા દર માસનો આગલા માસની અંતિમ તારીખ પહેલા જમા થઇ જતો હતો. જેના કારણે સસ્તા અનાજની દુકાનેથી ગરીબ પરિવારજનોને સમયસર જે તે રેશનીંગ પુરવઠો મળી જતો હતો પરંતુ સરકાર તરફથી છેલ્લા બે માસથી કોમ્પ્યુટર રાઇઝેશન કરીને ઓનલાઇન પુરવઠાની પરમીટ નીકળતી હોય ત્યારે આ માસનો ઓકટોબર અડધો વીતી જવા છતા કોઇપણ જાતનો રેશનીંગ જથ્થો ગોસા (ઘેડ) સહિતની પોરબંદરની અન્ય સસ્તા અનાજની દુકાનમાં પણ ન આવતા ગરીબ પરિવારો સંકટમાં મૂકાયા છે.

ગરીબી રેખા નીચે જીવતા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી દર માસે વ્યકિત દિઠ ઘઉં ૩.પ કિલો રૂ.રના ભાવે અને ચોખા ૧.૫ કિલો રૂ.૩ના ભાવે આપવામાં આવે છે. ખાંડ વ્યકિત ૩.પ૦૦ ગ્રામ રૂ.રરના ભાવે આપવામાં આવે છે. જયારે અતિ ગરીબ અત્યોંદય રેશનકાર્ડ ધારકોને એક વ્યકિત હોય કે એકથી વધુ હોય તો પણ ઘઉં રપ કિલો રૂ.રના ભાવે તેમજ ચોખા ૧૦ કિલો રૂ.૩ના ભાવે આપે છે. ખાંડ ૩.૫૦૦ ગ્રામ વ્યકિત દિઠ રૂ.૧૫ કિલોના ભાવે આપવામાં તેમજ કેરોસીન એક લીટરના રૂ.૩પ ઉપરના ભાવે વ્યકિત દિઠ ર લીટર અને વધુમાં વધુ ૮ લીટર આપવામાં આવે છે. ત્યારે પારદર્શક વહીવટ ચલાવવાના નમુનારૂપ સરકારના પુરવઠા વિભાગના વહીવટીતંત્ર તરફથી છેલ્લા બે માસથી વહીવટી સંચાલનમાં અસંગતતા ઉભી થઇ હોય તેમ રેશનીંગ માલના એડવાન્સ સપ્ટેમ્બર માસની ૧૫-૧૬ તા.ના ઓકટોબર માસના ઓનલાઇન પરમીટના જે તે સસ્તા અનાજના દુકાનદારે રેશનીંગ માલના પૈસા ભરી દીધા હોવા છતા આજે અડધો માસ થવા છતા હજુ સુધી કોઇપણ રેશનીંગનો માલ સસ્તા અનાજની કોઇપણ દુકાને ડોર ટુ ડોર દુકાને મોકલવામાં આવેલ ન હોય ગરીબ પરિવારોને અનાજના પણ સાંસા થવા લાગ્યા છે અને નાછુટકે મોંઘા ભાવના દાણા દુકાનેથી ખરીદવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પુરવઠાતંત્ર વાહનોના પરિણામે અત્યારે થયુ છે.

દિવાળીના સપરમાં દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે દર વખતે દિવાળીના તહેવારો ઉપર સસ્તા અનાજની દુકાનેથી માલ અપાય તેનાથી વધારાનો ખાંડ તેમજ કપાસીયા તેલનો જથ્થો પણ ગરીબ પરિવારોને આપવામાં આવે છે પરંતુ આ માસનો રેશનીંગનો પુરવઠો જ આવ્યો નથી ત્યા દિવાળીના વધારાનો માલ કયાંથી આપવામાં આવે તેવો સવાલ ગરીબ લોકોમાંથી ઉઠવા પામ્યો છે. આ બાબતે સતાવાળાઓ યોગ્ય નિરાકરણ લાવે તેવી બુલંદ માંગ ગરીબ રેશનકાર્ડ ધારકોમાંથી ઉઠવા પામી છે.

(11:38 am IST)