Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

પોરબંદરમાં નિષ્ફળ ભુગર્ભ ગટર ખાડાવાળા રસ્તા તથા બાગબગીચા સુધારણા કરવા માંગણી

પોરબંદર તા.૧૭ : નબળી ગુણવતાને કારણે શહેરની ભુગર્ભ ગટર સંપુર્ણ નિષ્ફળ ગયાનું કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે, શહેર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે તેથી વિદેશના યાત્રાળુઓ મોટી સંખ્યામાં પોરબંદર આવે છે તેથી ૨૦૧૦ તત્કાલીક ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ વડાપ્રધાન મનમોહનસિંહ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ સોનિયાગાંધીને રજૂઆત કરી હતી જેને કારણે શહેરને ખાસ કિસ્સા તરીકે જવાહરલાલ નહેરૂ અર્બન રીન્યુલ મશીનમાં સમાવેશ કર્યો હતો અને શહેરના નવીનીકરણ માટે એટલેકે ભુગર્ભ ગટર, નમૂનેદાર રોડ રસ્તાઓ અને નવા બાગ બગીચાઓ, નમૂનેદાર ટાઉનહોલ સહિત માટે ૮૭૨ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મંજુર કરીહતી પરંતુ આ રકમમાંથી ૧૫૬ કરોડ રૂપિયાના ખર્ચ પોરબંદર શહેરની ભુગર્ભ ગટર યોજના મંજૂર કરી હતી ત્યારબાદ ભુગર્ભ ગટરનું કામ અને પીવાના પાણીની પાઇપલાઇન નબળી ગુણવતાવાળુ કરવામાં આવ્યુ હતુ. જેમાં ગટરની પાઇપ લાઇનોના જોઇન્ટનું કામ નબળુ કરવામાં આવ્યુ હતુ. ભુગર્ભ ગટરની ઉંડાઇ પણ જરૂરી ઉંડાઇથી ઓછી રાખવામાં આવી હતી. ભુગર્ભ ગટરની ચેમ્બરોનું કામ પણ ખારા પાણીથી બનેલા નબળા બ્લોકથી કરાયુ જેથી સદરહું ચેમ્બરો બાંધકામના થોડા દિવસોમાં જ ધરાશયી થઇ ગઇ હતી. આ પાણીની પાઇપલાઇન નાખતી વખતે નીચે રેતીનું લેયર કરવાનુ હતુ અંદાજે ૧૨ કરોડ રૂપિયાની રેતી નખાઇ હતી તે રેતી બિલકુલ નાખી નથી. ભુગર્ભ ગટરના ખોદાણનું મટીરીયલ શહેરની બહાર ફેકવાને બદલે શહેરની મધ્યમાં આવેલ રણમાં નાખી રણને બુરી દઇને વરસાદી પાણીના નિકાલની કાયમી ધોરણે સમસ્યા ઉભી કરેલ છે તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ.

પીવાના પાણીની પાઇપલાઇનમાં પણ ઉંડાઇ ઓછી રખાઇ હતી. લાઇન નીચે રેતી પણ નખાઇ નથી અને પીવાના પાણીની લાઇન અને ભુગર્ભ ગટરની લાઇન એકબીજાથી દૂર નાખવાને બદલે કેટલી જગ્યાએ બાજુબાજુમાં નાખી દેવાઇ છે. ભુગર્ભ ગટરનો યોગ્ય રીતે ટેસ્ટીંગ કર્યા વગર ભવિષ્યમાં કોઇ તકલીફ નહી થાય તેવુ કહીને રોડ રસ્તા બનાવવા માટે એનઓસી આપી દીધુ હતુ અને આ કામના કોન્ટ્રાકટની ભુગર્ભ ગટરની મરામત અને જાળવણીની જવાબદારી ફેબ્રુઆરી ર૦૨૦ માં પૂરી થઇ જશે અને પછી સ્ટાફ વગરની અને સ્વ.ભંડોળ વગરની ન.પા. પાસે ભુગર્ભ ગટરની મરામત અને જાળવણીની જવાબદારી આવશે.

આ ભુગર્ભ ગટર છેલ્લા ઘણા સમયથી ઉભરાઇ રહી છે અને ઉભરાયેલ ગંદુ પાણી શેરીઓમાં વહી રહ્યુ છે અને કુવાઓમાં અને બોરમાં સતત ગંદુ પાણી ભળવાને કારણે શહેરના ૭૦ ટકા વિસ્તારોમાં બોરના પાણી પીવાલાયક રહ્યા નથી. પીવાના પાણીી લાઇનના જોઇન્ટ નબળા હોવાથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભળી રહ્યુ છે. શહેરના ૭૦ ટકા વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા પાણી વેરો લઇને ન.પા.ના નળમાં સપ્લાઇ થઇ રહેલુ પાણી ફીણવાળુ અને ડહોળુ આવી રહ્યુ છે.

ગંદાપાણીને કારણે ઉભરાતી ગટરોને કારણે પાણીજન્ય રોગોનો શિકાર બનેલા અને ભુગર્ભ ગટરના ગંદા પાણીથી થયેલા મચ્છરોને કારણે ડેન્ગ્યુના શિકાર બનેલા લોકોથી પોરબંદર શહેરની ખાનગી હોસ્પિટલો અને ડોકટરો વિહોળી ભાવસિંહજી હોસ્પિટલ અને સરકારી દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે.

ભાવસિંહજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોની મુલાકાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, પરીમલભાઇ ઠકરાર અને હોદ્દેદારોની સાથે મુલકાત લીધી હતી જેમાં ૭૦ ટકા દર્દીઓએ ડહોળા અને ફીણવાળા પાણી આવતા હોવાની અને ડંકીના બગડી ગયેલા પાણીની ફરીયાદો કરી હતી. ભાવસિંહજી હોસ્પિટલમાં પુરતી સંખ્યામાં ડોકટરો મુકવામાં આવે. માત્ર ૪ મેડીકલ ઓફીસરો છે તેને અને અન્ય ૩ સર્જન ડોકટરોને પોરબંદર બહાર ડેપ્યુટેશન પર મુકવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને બાટલાના સ્ટેન્ડ પુરતા રાખવામાં આવે દરેક દર્દીઓને મચ્છરદાની પુરી પાડવામાં આવે. ભાવસિંહજી હોસ્પિટલની નિયમીત સફાઇ કરવામાં આવે અને તેની આજુબાજુમાં ઉભરાઇ રહેલી ગટરોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે જેથી મચ્છરોના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ વધુ બિમાર ન પડે તેમ રામદેવજીભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(11:38 am IST)