Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

શકત સનાળામાં બાખડતા ખૂંટીયાની ઢીંકે ચડતાં કોલેજીયન છાત્રા કૃપા ઘેટીયાનું મોત

૧૭ વર્ષિય પટેલ પરિવારની દિકરીએ રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: રસ્તા પર રખડતાં બાખડતા ઢોર ઘણીવાર વાહન ચાલકો અને રાહદારીઓને ઉલાળી દેતાં હોય છે અને તેના કારણે ગંભીર ઇજાના કે મૃત્યુના બનાવ બનતાં હોય છે. આવી જ એક ઘટના મોરબીના શકત સનાળામાં બની છે. જેમાં રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટીયાએ પસાર થઇ રહેલી પટેલ પરિવારની કોલેજમાં અભ્યાસ કરતી દિકરીને ઢીંકે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં તેણીનું મોત નિપજ્યું છે.

શકત સનાળામાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ં રહેતી કૃપા પ્રેમજીભાઇ ઘેટીયા (ઉ.૧૭) નામની યુવતિ તા. ૪/૧૦ના રોજ કોલેજ જવા માટે નીકળી હતી. ઘર નજીક ગામના મોરબી બાયપાસ પર ચાલીને જતી હતી ત્યારે રસ્તામાં ઉભેલા બે ખૂંટીયા અચાનક બાખડી પડ્યા હતાં અને કૃપાને ઢીંકે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં, ત્યાંથી રાજકોટ સિનર્જીમાં અને ત્યાંથી દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આટલા દિવસોની સારવાર કારગત ન નિવડતાં ગત મોડી રાત્રે તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં આશાસ્પદ દિકરીના મોતથી કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ મારફત માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ જસાભાઇ કોઠીવારે કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી. કૃપા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

(11:33 am IST)