Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગિરનારની લીલી પરિક્રમા પ્લાસ્ટીક મુક્ત બની રહે તે સંદર્ભે યાત્રિકોને અનુરોધ કરતું જિલ્લા વહીવટી તંત્ર

પરિક્રમાના સુચારૂ આયોજન અન્વયે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક

જૂનાગઢ : જૂનાગઢમાં શિવરાત્રી મેળો અને ગિરનારની પરિક્રમાએ આર્થિક દ્રષ્ટિએ જીવાદોરી સમાન છે. સાથે જ જૂનાગઢ પ્રકૃતિ માણવા માટે તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનેરૂ સ્થાન ધરાવે છે. ગિરનારની ગોદમાં દર વર્ષે યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આરંભ કારતક સુદ અગીયારસ થી કારતક સુદ પૂર્ણિમા સુધી દરમિયાન થનાર છે જેના સુચારૂ આયોજન અન્વયે આજ રોજ કલેકટર શ્રી ડો.સૈારભ પારઘી  અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

  આ તકે બેઠકમાં પૂજ્ય મુકતાનંદ બાપુ એ જણાવ્યું હતું કે કોઈ કાર્ય માટે ચર્ચા ગોષ્ઠી થવી એ વિકાસ નું મૂળ છે. તેમણે ઉમેર્યું હતું કે જુનાગઢની પરિક્રમા એ આગવી ઓળખ ધરાવે છે ત્યારે ગિરનારમાં રસ્તાઓ, પાણીના પોઈન્ટ પર ગંદકી ન થાય, અન્ન ક્ષેત્રો અને ઉતારાઓ  માટે જન સુવિધાઓ મળી રહે તે અંગે તંત્રને સૂચન કર્યા હતા. સાથે જ તેમણે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત અને પર્યાવરણનું જતન થાય એ માટે સાધુસંતોનો સહયોગ મળશે એવો હકારાત્મક અભિગમ પણ દાખવ્યો હતો

  . એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે ગિરનારમાં પરિક્રમાના રૂટ પર તથા વિવિધ સ્થળોએ ટોયલેટ બ્લોક તથા પર્યાવરણના જતન અને સ્વચ્છતા માટે અનુરોધ કર્યો હતો. ભાવેશભાઈ વેકરિયાએ પાસ બાબતે, પરિક્રમા રૂટ  સહિતની બાબતે સૂચન કર્યા હતા.અગ્રણી બટુકભાઇ મકવાણાએ રચનાત્મક સુચનો કર્યા હતા.

  અત્રે  ઉલ્લેખનીય છે કે ગિરનાર પરિક્રમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહભાગી થાય છે ત્યારે શ્રદ્ધાળુઓને જન સુવિધા મળી રહે તેમજ તમામ સ્તરે સુંદર વ્યવસ્થા જળવાય તે અંગેના અમલીકરણ માટે આજ રોજ કલેકટર  ડો. પારઘી ની અધ્યક્ષતામાં ચર્ચા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર ડો. પારઘી એ સંલગ્ન કામગીરી સાથે જોડાયેલા વિભાગના અધિકારીશ્રીઓનીને સૂચનાઓ આપી હતી.

  પરિક્રમા દરમ્યાન લોકોની સુવિધા માટે શહેરના રસ્તા રિપેરિંગની કામગીરી, ટ્રાફિક નિયમન માટે રસ્તા વન-વે જાહેર કરવા, ગિરનાર તળેટીથી જૂનાગઢ શહેર માટે મીની બસની સુવિધાઓ, જાહેર આરોગ્ય અને સારવારની સુવિધાઓ વિવિધ પોઇન્ટ પર ઉપલબ્ધ કરાવવી, પીવાના પાણીની વ્યવસ્થા, વાહન પાર્કિંગ બાબત, હેલ્પલાઇન શરૂ કરવા માટે, રિક્ષાભાડાના દર નક્કી કરવા અંગે સહિતના મુદ્દે ચર્ચા અને સુચન કરવામાં આવ્યા હતા

  . આ તકે તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બને, ગંદકી મુક્ત બને અને પર્યાવરણનું સંવર્ધન થાય  તે રીતે આયોજન માટે સૂચના આપી હતી. આ ઉપરાંત પરિક્રમાના  ઉંચાણવાળા પોંઈટસ પર આરોગ્ય વિભાગની  ૯ ટીમ પણ કાર્યરત રહેશે.

  આ  બેઠકમાં તનસુખગીરી બાપુ, સ્થાયિ સમિતિના ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, હરેશ ઠુમર, ખોડીયાર રાસ મંડળનાં જાદવભાઈ કાકડિયા, એસ.પી સૈારભ સિંઘ, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, ડીડીઓ પ્રવીણ ચેાધરી, નાયબ વન સંરક્ષક ડો.સુનીલ બેરવાલ, પ્રાંત અધિકારી જવંલતરાવલ, વિસાવદર પ્રાંત અધીકારી તુષાર જોષી, જે.સી.દલાલ, નાયબ માહિતી નિયામક રાજુભાઈ જાની, હોમગાર્ડ કમાન્ડર ડોબરિયા, ડો.સી.એ.મહેતા, સહિતના વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(8:59 pm IST)