Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

આંગડિયા લૂંટ પ્રકરણમાં ૪ આરોપીઓની ધરપકડ થઇ

લૂંટના મુદ્દામાલ સાથે આરોપીઓ મળવાના હતા : પાટણ એલસીબી અને રાધનપુર પોલીસે બે દિવસમાં જ લૂંટારુંને ઝડપી પાડ્યા : નવ લાખની રોકડ-મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, તા.૧૬  : ગાંધીધામની ગાંધી માર્કેટમાં બાબુલાલ આંગડીયા પેઢીના સંચાલક પર બે બુકાનીધારીઓએ હુમલો કરીને રૂ.૧૧ લાખની લૂંટ ચલાવવાના પ્રકરણમાં પોલીસે આખરે રાધનપુર પાસેથી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. બે દિવસ પહેલા થયેલી લૂંટનો પાટણ એલસીબી અને રાધનપુર પોલીસે ભેદ ઉકેલીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે, આ કેસમાં હજુ એક આરોપી ફરાર છે. પોલીસે સાડા નવ લાખ રોકડ તેમજ આરોપીઓની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લૂંટના બનાવ બાદ સરહદી રેન્જ ભુજના આઇજીપીના આરોપીઓને પકડવા સૂચના આપી હતી. જેને પગલે પાટણ એસપી અક્ષયરાજની સૂચના અને રાધનપુરના ડીવાયએસપી એચ.કે.વાઘેલાના માર્ગદર્શનમાં પાટણ એલસીબીના પીએસાઈ વાય.કે.ઝાલા સહિતની ટીમ અને રાધનપુર પોલીસની ટીમે આરોપીઓ સામે વોચ રાખી હતી. દરમિયાન લૂંટારુંઓ વારાહી રાધનપુર રોડ પરના કલ્યાણપુરા ગામના પુલ નીચે ભેગા થવાની બાતમીના આધારે વોચમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના સાડા નવ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

            ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા તા.૧૪ ઓક્ટોબરે બપોરે બાબુભાઇ મહાદેવભાઇ પ્રજાપતિની આંગડીયા પેઢી પર આશરે ૨૫ વર્ષની ઉંમરના બે શખ્સોએ આંગડીયુ કરવાના બહાને એકે છરી વડે તેમના જમણા હાથની ટચલી આંગળીને ઇજા કરી હતી. જ્યારે બીજાએ બાબુભાઇના માથાના ભાગે મુક્કા મારી તેમજ ગળું દબાવીને બેભાન કરી રૂ.૧૦,૭૨,૬૧૫ અને ઓપો કંપનીનો એક મોબાઇલ રૂ. દસ હજાર તથા અન્ય ડોક્યુમેન્ટ મળી કુલ રૂ.૧૦,૮૨,૬૧૫ના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જેની ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૪૫૨, ૧૧૪ મુજબનો ગુનો નોઁધાયો હતો. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

(8:36 pm IST)