Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સરકારી કચેરીના કબજામાં રહેલ ટ્રસ્ટની મિલ્કત પરત મેળવવા ચેરીટી કમિ.ની મંજુરીની જરૂર નથી

મોરબીમાં બી.એસ.એન.એલ.ને ભાડે આપેલ જગ્યાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો

વાંકાનેર, તા. ૧૭ :. સરકારી કચેરીના કબજામાં રહેલ ટ્રસ્ટની મિલ્કત પરત મેળવવા માટે ચેરીટી કમિશનરની પરમીશન જરૂરી નથી તેવી રજૂઆત બાદ કોર્ટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

મોરબીમાં ગુર્જર ક્ષત્રીય કડીયા વિદ્યાર્થી ભવનના નામથી ટ્રસ્ટ આવેલ છે. સદરહુ ટ્રસ્ટ રજીસ્ટર થયેલ ટ્રસ્ટ છે અને સદરહુ ટ્રસ્ટમાં માલિકી અને કબજા ભોગવટાની મિલકત મકાન ટેલીકોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટ મોરબીને લીઝથી તા. ૧-૧-૧૯૯૪ના રોજ પાંચ વર્ષના પટે ભાડેથી આપવામાં આવેલ અને જે અંગેની લીઝ ડીડ સબ રજી. કચેરીમાં નોંધણી કરાવવામાં આવેલી. સદરહુ લીઝડીડની મુદત તા. ૩૧-૧૨-૧૯૯૮ના રોજ પુરી થતી હતી અને ત્યાર બાદ સદરહુ ટ્રસ્ટે પોતાની આ મિલ્કત બી.એસ.એન.એલ. મોરબીને ભાડાની રકમ વધારી આપવા અથવા તો સદરહુ મિલ્કત ખાલી કરી આપવા ટ્રસ્ટે અવારનવાર જણાવેલ. પરંતુ સદરહુ ઓથોરીટી દ્વારા ભાડાની રકમનો વધારો કરી આપવામાં આવતો ન હતો કે સદરહુ મિલ્કતનો ખાલી કબજો કરીને ટ્રસ્ટને સોંપવામાં આવતો ન હતો. જેથી સદરહુ ટ્રસ્ટે મોરબીના સીવીલ જજની કોર્ટમાં બી.એસ.એન.એલ. કચેરી સામે દાવો દાખલ કરી સદરહુ ટ્રસ્ટની મિલકતો ખાલી કબજો પરત મેળવવા અને દરમિયાન સદરહુ મિલકતનો આ કચેરીએ ગેરકાયદેસર રીતે કબજો રાખેલ હોય મીનસ પ્રોફીટની રકમ વસુલ અપાવવા કોર્ટ પાસે માંગણી કરેલી. સદરહુ દાવાના કામે પક્ષકારોએ પોતપોતાનો પુરાવો રજુ કરેલ અને પ્રતિવાદી કચેરી દ્વારા સદરહુ દાવાના કામે લીઝડીડની કોઈ શરતોનો ભંગ કરવામાં આવેલ નથી તેમજ સદરહુ ટ્રસ્ટ નોંધણી થયેલ હોય ચેરીટી કમિશનરની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના પ્રતિવાદી સામે દાવો દાખલ કરી શકાય નહી. તેમજ સદરહુ લીઝડીડમાં આરબીટ્રેશનનો કલોઝ રાખવામાં આવેલ હોવાથી જ્યાં સુધી આરબીટ્રેટર પાસે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી સીવીલ કોર્ટે દાવો ચલાવી નિર્ણય કરી શકે નહી અને તા. ૧-૧-૯૯ પછી પણ વાદી ટ્રસ્ટે ભાડાની રકમ વસુલ કરેલ હોય પ્રતિવાદી કચેરીના ભાડુતી રાઈટસ હોય આ દાવો રદ કરવાની માંગણી કરવામાં આવેલી.

આ સંબંધે વાદી તરફથી એડવોકેટ એવી રજૂઆત કરેલ કે જ્યારે ભાડુતી જગ્યાના કબજાનો પ્રશ્ન હોય ત્યારે ટ્રસ્ટને પોતાની માલિકીની મિલકતો ભાડુત પાસેથી પરત કબજો લેવા માટે દાવો કરતા પહેલા ચેરીટી કમિશનરની પરમીશન લેવી જરૂરી નથી તેવુ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ ઠરાવેલ છે. આમ પ્રતિવાદીનો કબ્જો લીઝડીડની સમય મર્યાદા પુરી થયા બાદ ગેરકાયદેસર રીતે બનતો હોય અને તા. ૧-૧૧-૦૪થી ભાડાની રકમ ચુકવવામાં આવેલ ન હોય મીન્સ પ્રોફીટની રકમ વાદગ્રસ્ત મિલકતનો કબજો મળતા સુધી કોર્ટને યોગ્ય જણાય તેવી રકમ વસુલ અપાવવા માંગણી કરેલી અને આ સંબંધ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ રજુ કરવામાં આવેલ.

આ કામમાં કોર્ટ વાદીનો દાવો મંજુર કરીને હુકમની તારીખથી ૩ માસમાં વાદગ્રસ્ત મિલકતનો કબજો બી.એસ.એન.એલ. કચેરીએ વાદી ટ્રસ્ટને સોંપી આપવો તેવો હુકમ કરેલ છે અને તા. ૧-૧-૦૪થી માસિક રૂ. ૬૦૦૦ લેખે મીન્સ પ્રોફીટની રકમ ચુકવવાનો પણ હુકમ કરેલ છે અને જે રકમ તા. ૧-૧-૦૪ થી આજ તારીખ સુધીમાં ગણતા આશરે ૧૦ લાખ જેવી રકમ ચુકવવાનો પણ બી.એસ.એન.એલ. કચેરી મોરબીને હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં વાદી ટ્રસ્ટ વતી વાંકાનેરના એડવોકેટ એમ.એફ.બ્લોચ રોકાયેલ હતા.(૨-૩)

(12:23 pm IST)