Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત

બોટાદ નગરપાલીકાને વેસ્ટ કલેકશન માટે ૧૧ વાહનોની ભેટ

બોટાદ, તા.૧૭: મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે તેમને સ્વચ્છ ભારતની ભેટ કરી સાચા અર્થમાં શ્રદ્ઘાંજલી અર્પણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવવા માટે બોટાદ નગરપાલિકા દ્વારા પણ પ્રસંશનીય પ્રયાસો કરવામાં આવી રહયાં છે.

 બોટાદ નગરપાલિકાને ડોર ટુ ડોર કલેકશન માટે ૧૧ છોટા હાથી વાહન ફાળવવામાં આવ્યા હતા. જેનું ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના વરદહસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ.

સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે દરેક ઘરેથી દૈનિક ધોરણે કચરો એકત્ર કરવો જરૂરી હોય નગરપાલિકા પાસે પૂરતા વાહનો ઉપલબ્ધ ન હોવાથી કયારેક આંતરા દિવસે ડોર ટુ ડોર કલેકશન થતું હતુ, જેને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકાને વધુ ૧૧-છોટા હાથી વાહન ફાળવવામાં આવ્યા છે. જેના પરિણામે હવે નગરપાલિકા દ્વારા તમામ વોર્ડ-વિસ્તારમાંથી નિયમિતપણે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવશે.

આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીના જણાવ્યાનુસાર સરકારશ્રી દ્વારા નગરપાલિકાને ફાળવવામાં આવેલ આ વધુ ૧૧ વાહનોમાંથી ૨ વાહનો માત્ર વાણીજય વિસ્તારો માટે ફાળવવામાં આવેલ છે. જયાં લોકોની વધુ અવરજવર રહેતી હોવાથી ત્યાં કચરો વધુ માત્રામાં ઉત્પન્ન થતો હોય આ વાહનોને સરકયુલર રૂટમાં ફેરવી દિવસમાં બે વખત ડોર ટુ ડોર કલેકશન કરવામાં આવશે તથા શહેરની હોટલ-લોજ-રેસ્ટોરન્ટ તથા ખાણી-પીણીના એકમો દ્વારા અત્યાર સુધી ખુલ્લામાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. તે સદંતર બંધ થાય તે માટે ૨ વાહનો આવા એકમો માટે ફાળવેલ છે.

 નગરપાલિકાની ડોર ટુ ડોર કલેકશન સિસ્ટમને એકદમ ભરોસાપાત્ર અને નિયમિત બનાવવાથી જાહેર રસ્તા, ખુલ્લી જગ્યા, જાહેર જગ્યાઓ વિગેરે સ્થળોએ થતા કચરાનો નિકાલ અટકાવી શકાશે.(૨૨.૪)

(12:22 pm IST)