Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

હું મરી જાવ તો મારા છોકરાવનું કોણ? તેમ વિચારીને માતાએ પગલું ભર્યું

ભાવનગર જિલ્લાનાં પાંચ પીપળીમાં : ૪ સંતાનોને મોતને ઘાટ ઉતારનાર મહિલા સામે હત્યાનો ગુન્હો

ભાવનગર તા.૧૭: તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે આવેલ વાડીના કુવામાં પેટ જણ્યા ત્રણ દિકરા અને બે દિકરી મળી પાંચ સંતાનોને કુવામાં ફેંકી જનેતાએ પણ આપઘાત કરવા કુવામાં ઝંપલાવ્યાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો. આ ઘટનામાં શ્રમજીવી જનેતા અને તેની એક દિકરી બચી જવા પામેલ. જયારે ત્રણ દિકરા અને એક દિકરી મળી ચાર બાળકોના મોત નિપજતા જનેતા વિરૂદ્ધ હત્યાનો ગુનો અલંગ પોલીસમાં મહિલાના પતિ એજ નોંધાવ્યો હતો.

તળાજા પંથકમાં અરેરાટી ફેલાવતી ઘટનાની મળતી વિગત અનુસાર ઝાંઝમેર ગામના કોળી ભાલીયા ધરમશી રામભાઇ પોતાના પત્ની ગીતાબેન અને પાંચ સંતાનો અક્ષિત  (ઉ.વ.૬), કુળદિપ (ઉવ.૭), કાર્તિક (ઉ.વ.૪), રુદ્ર (ઉ.વ...), અક્ષીતા (ઉવ.૮), ધર્મિષ્ઠા (ઉ.વ.૧૦) સાથે તળાજાના રોયલ ગામે ખેડૂત નરેશભાઇ ગાંગાણીની વાડીમાં ખેત મજુર તરીકે ખેતી કામ કરી વાડીમાંજ રહી ગુજરાન ચલાવતા હતા.

ગઇકાલ બપોર બાદ પતિ રામભાઇને પત્ની ગીતાબેન અને પાંચેય સંતાનોને માતાજીના દર્શન કરવા લઇ જાવ છું તેમ કહી રોયલ ગામેથી નિકળી ગયા હતા.

માતાજીના દર્શનના નામે પરણીતાના મનમાં કંઇક અલગ જ ચાલી રહયું હતું. માતાજીના દર્શનના બહાને પાંચેય સંતાનોને  લઇ જનેતા પાંચપીપળા ગાામે  બે વર્ષ પહેલા જયાં ખેત મજુરી કરતા હતા તે ખેડૂત તુળસીભાઇ નારણભાઇ ઇટાળીયાની વાડીમાં આવેલ કુવા પાસે લઇ ગયેલ.

સોૈથી મોટી દિકરી ધર્મિષ્ઠાને કુવામાં ફેંકયા બાદ એક પછી એક એમ પેટજણ્યા પાંચેય સંતાનોને કુવામાં ફેંકી દિધા બાદ જનેતા ગીતાબેન ભાલીયાએ પણ કુવામાં પડતું મુકયું હતું.

ગીતાબેનએ કુવાની બેસવાની પાટ અને સોૈથી પહેલા ફેંકાયેલ મોટી દિકરી ધર્મિષ્ઠાએ કુવામાં ઉતારેલ પાઇપ લાઇન પકડી લેતા બંનેએ બચાવોની બુમો પાડતા. સ્થાનિક સેવાભાવી લોકોએ દોરડા વડે ખાટલો નાંખી   બંન્નેને બચાવી લીધા હતા જયારે બાકીના ચાર સંતાનોને શોધવા માટે ફાયર, સ્થાનિક તરવૈયાઓ, પોલીસ, સેવાભાવી લોકોની મદદ વડે શોધખોળ હાથ ધરવામાં આવેલ જેમાં એક બાળકી અક્ષીતા રાત્રીના ૧૨ વાગ્યાના અરસામાં મળી આવેલ હતી.

જયારે સગા ત્રણ ભાઇઓ એકપછી એક એમ ત્રણ ભુલકાઓને અથાક મહેનતના પગલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં તરવૈયાઓએ શોધી કાઢી ચારેય મૃતક ભુલકાઓને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવના પગલે પાંચ સંતાનોને કુવામાં ફેંકવા અને તેમાં ચારના મોત નિપજવા બદલ હત્યા અને એક બાળકી બચી જતા અલંગ પોલીસ એ ૩૦૨,૩૦૭ સહિતની કલમો મુજબ પતિ ધરમશી રામભાઇ ભાલીયાની ફરિયાદના આધારે પત્ની ગીતાબેન વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પેટ જણ્યા પાંચ સંતાનોને કુવામાં ફેંકવામાં જરા પણ ખચકાટ ન અનુભવનાર માતા ગીતાબેનના જણાવ્યા પ્રમાણે પોતાની પર કોઇએ તાંત્રિક વિધિ કરી હતી. પોતાને સતત સ્મશાનમાં ઢસડીને લઇ જતાં હોય તેવો અહેસાસ થતો હતો. પતિ એ સારું થાય તે માટે ઘણો ખર્ચ કરેલ. પરંતુ સારું ન થતા પોતે જીવી શકે તેમ ન હોય પોતાના સંતાનોનું કોઇ થાય તેમ ન હતું. રોયલ ગામે કુવામાં પાંચેય સંતાનોને ફેંકી શકાય તેમ નહતાં એટલે સથરા નોરતા જવાનું બહાનું કાઢી અહીં આવી પાંચેય સંતાનને કુવામાં ફેંકી દીધાનું કહ્યું હતું.

જો કે માનસિક રીતે અસ્થિર જેવી વર્તણૂક કરતી જનેતા એ સંતાનોને કુવામાં ફેંકવા બાબતે પણ અલગ અલગ નિવેદનો કરતા પ્રશાસન પણ ગોટે ચડયૂં હતું.

અમને પાંચેય ભારું (ભાઇ બહેન) ને મારી મમ્મી એજ કુવામાં ફેંકી દીધા હતા. એમની સાથે કોઇ એ દોરા (તાંત્રિક વિધિ) કરેલ હતી.

ઉપરોકત શબ્દો છે નવેક વર્ષની સોૈથી મોટી દીકરી ધર્મિષ્ઠા આ ના. પોતાએ કુવામાં ઉતરેલ પાઇપ લાઇન પકડી લેતા માતા એ કુવામાં ફેંકી હોઇ તેમ છતાં બચી ગઇ હતી.

આ બાળકીએ જ ઉપસ્થિત બચાવ ટીમને પોતાના ચારેય ભારુંને આજ કુવામાં ફેંકી દીધા હોવાનું કહેતા પ્રશાસન એ શોધખોળ હાથ ધરી હતી.(૧.૮)

 

(12:16 pm IST)