Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વાંકાનેર તાલુકાનાં ખેરવા ગામનાં સિંચાઇ વિભાગના કામમાં ૩પ લાખની ઉચાપત અંગે તપાસની માંગણી

 વાંકાનેર, તા. ૧૭ :  વાંકાનેર તાલુકાના ખેરવા ગામના સિંચાઇ વિભાગના કામોમાં રૂપિયા પાંત્રીસ લાખની ઉચાપાત અંગેની તપાસની માંગણી થતા વાંકાનેર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.

છેવાડાના  ખેરવા ગામમાં સિંચાઇ અંગેના કામોમાં મોટી રકમની ગેરરીતિ એટલે કે સિંચાઇના કામો થયા જ નથી પણ કાગળ પર તે બધા કામો દર્શાવીને ૩પ,૩૩૦૦૦ રૂપિયા ઉપાડી લઇ ઉચાપત થતા ખેરવા ગામના સરપંચ વી.આર. ઝાલા  તથા ર૭-૯-૧૮ના, મોરબી જીલ્લા કલેકટરને પત્ર દ્વારા લેખિત જાણ કરેલ. જેમાં ખરેવા ગામના સિંચાઇ વિભાગના કામો ૧, તળાવ અર્ધન્બંડ કામના ૯,૪૬,૦૦૦/- રૂપિયા ર તળાવ વેસ્ટ વિયરના તળાવના કામના ૩,૯૦,૦૦૦/- તથા પ, ભટ્ટા તળાવના કામના રૂપિયા ૪,૬૪,૦૦૦/- મળીને કુલ સદર કામો કુલ રૂ. ૩પ,૩૩,૦૦૦/- ના ખેરવા ગામે મંજુર થયેલ હતા.

આ કામો પૂર્ણ થઇ ગયા છે એવું પ્રમાણપત્ર આપી બિલો પણ બનાવેલ છે આ કામોની રકમ પણ બારોબાર ઉપાડી લીધેલ છે જો કે હકીકતમાં આ કોઇ કામો થયેલ નથી. આવડી મોટી રકમ ઉચાપત થયેલ છે તો આ ગેરરીતિમાં સંડોવાયેલા તમામને સજા થાય તેમજ આ ૧૦૦ ટકા રકમ ખેરવા ગામના વિકાસમાં જ વપરાય તેવી કાર્યવાહી કરવા વિનંતી છે. સદર કામો કઇ એજન્સી દ્વારા કરવામાં આવેલ ? આ કામોની રકમ ૩પ,૩૩૦૦૦ કેવી રીતે ઉપાડેલ છે. તેની તપાસની પણ માંગ્ણી છે. આ કામો ખેરવા ગામના મંજુર થયેલા હતા જેની આજ દિવસ સુધી કોઇ પ્રકારની જાણ ખેરવા ગ્રામ પંચાયતને અથવા ગામના કોઇ નાગરિકને કરવામાં આવી નથી. સંસદ શ્રી તા. ૭-૯-૧૮ના પત્રથી અમોને જાણ થયેલ, જે પત્રના આધારે તપાસ કરાવવા આ કામો પૂર્ણ થઇ તેની રકમ પણ ચુકવી દીધેલ હોવાનું જાણમાં આવેલ.

જીલ્લા કલેકટર દ્વારા આ મોટી ઉચાપત અંગે ખેરવાના સરપંચશ્રી ની રજુઆત છતા કોઇ કાર્યવાહી ન થતા તા. ૧૬-૧૦ના રોજ ખેરવા ગામના સરપંચ શ્રી વી.આર. ઝાલા દ્વારા તાલુકા પોલીસમાં આ અંગે લેખિત ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. તાલુકાના સિંચાઇના કામોમાં પાંચ થી છ કરોડ રૂપિયા ચાંઉ થયાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

(11:58 am IST)