Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

સીઝનનો કુલ 38 ઇંચ વરસાદ: મેઘરાજા હવે શાંતિ રાખે તેવી પ્રાર્થના: ફરી જેતપુર રોડ ઉપરની દુકાનોમાં પાણી ઘુસી ગયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો જેના લીધે ધોરાજીના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને જેતપુર રોડ ઉપર અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા
ધોરાજીમાં આજરોજ બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ફરી ધોરાજી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો ધોરાજીના મુખ્ય ગણાતા સ્ટેશન રોડ ત્રણ દરવાજા જેતપુર રોડ પોસ્ટ ઓફિસ રોડ હોકળા કાંઠા રોડ ચકલા ચોક જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ નદી બજાર વિગેરે વિસ્તારોમાં રોડ ઉપર પાણી પાણી થઇ ગયું હતું
આ સમયે ધોરાજીના મુખ્ય ગણાતા જેતપુર રોડ ઉપર ફરી વખત પાણી ફરી વળતા વેપારીઓ ની દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું ફરી વખત વેપારીઓ પરેશાન થઇ ગયા હતા અને દુકાન માંથી પાણી કાઢવા માટે મહેનત કરતા હતા
ધોરાજીના ખેડૂતો તેમજ આમ જનતા એ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે હવે તો ખમૈયા કરો જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો તમામ પાક નિષ્ફળ થઈ જશે જે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી
આ સાથે ધોરાજીના પાટણવાવ મોટીમારડ સુપેડી ભૂખી ભોળા તોરણીયા નાની પરબડી વેગડી વિગેરે વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો સીઝનનો કુલ વરસાદ 38 ઇંચ નોંધાઈ ચૂક્યો છે

(7:18 pm IST)