Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જામનગર જિલ્લાના ૧૧૭ રસીકરણ કેન્દ્રો પર વેકિસનેશનની કામગીરી

પ્રધાનમંત્રીના જન્મદિવસે મેગા વેકિસનેશન ડ્રાઇવ

જામનગર તા. ૧૭ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્ત્।ે જામનગર જિલ્લામાં મેગા વેકિસનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેકિસનેશન ડ્રાઈવ અંતર્ગત શહેર અને જિલ્લા કક્ષાએ ૧૧૭ રસીકરણ કેન્દ્રો ખાતે સવારે ૮:૦૦ કલાક થી મોડી રાત્રી સુધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારના ૨૩૯ જેટલા ગામોમાં વેકિસનેશનની કામગીરી થશે. રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા જામનગર જિલ્લાના પી.એચ.પી, સી.એચ.સી, યુ.પી. એચ.સી. કેન્દ્રો ઉપરાંત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલ પ્લાઝા જેવા જાહેર જનતાની વધુ અવરજવર ધરાવતા સ્થળો પર પણ કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ માટે ૪૨૬ જેટલા વેકિસનેટરો અને ૧૦૦૦ જેટલા ફિલ્ડ સ્ટાફ દ્વારા રસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે

હાલ જામનગર ખાતે ૮૦% જેટલા લોકોએ વેકિસનનો પ્રથમ ડોઝ મેળવેલ છે, જેમાંના ૭૮% જેટલા લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધેલ છે. ત્યારે આવતીકાલે વેકિસન લેવામાં બાકી રહેલા અને બીજા ડોઝ માટેના લોકોને રસી આપવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારની બાકી રહેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે.જામનગર શહેર કક્ષાએ આવતીકાલે ૨૭,૫૦૦ અને ગ્રામ્ય કક્ષાએ ૪૯,૫૦૦ જેટલા ડોઝ સાથે એક જ દિવસમાં ૭૦ હજાર લોકોને રસી આપવા માટેનો નિર્ધાર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

આ તકે કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીએ જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, બીજો ડોઝ જેમને બાકી હોય તેઓ અને સાથે જ પહેલા ડોઝ માટે પણ સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે ત્યારે લોકો નજીકના સેન્ટર પર જઈ રસી લઈ  સ્વયં અને પરિવારને સુરક્ષિત બનાવે તેમજ આ ઝુંબેશને સફળ બનાવવામાં સહયોગ આપે.

તો મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડીએ આવતીકાલની ડ્રાઈવ વિશેના આયોજન વિશે જણાવતાં કહ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૫૫ કેન્દ્રો પર આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલ જામનગર શહેરના ૪ લાખ ૭૦ હજાર જેટલા લોકો રસી લેવા માટેના વયજૂથમાં સમાવિષ્ટ છે. જેમાંના ૩ લાખ ૯૬ હજાર જેટલા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધેલ છે ત્યારે તંત્રએ ૭૪ હજાર જેટલા લોકોને આઈડેન્ટિફાય કરી અને તેની યાદી પણ બનાવી છે, જેમને આવતીકાલે રસીકરણ અભિયાનમાં જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

તદુપરાંત આવતીકાલે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોગ્યલક્ષી યોજના દીનદયાલ ઔષધાલય અંતર્ગત શહેરમાં ૭ જગ્યા ઉપર જેમાં (૧)શાળા નં. ૩૧, (૨)શાળા નં. ૪૦, (૩) શાળા નં. ૩૦, (૪)હાપા કુમાર શાળા (૫) વિશ્રામવાડી કેન્દ્ર (૬)હિન્દી કુમાર શાળા અને (૭) શાળા નં. ૩ પર આ યોજનાનો આવતીકાલે સાંજે પાંચ વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને પણ આરોગ્યની સુવિધાઓ તત્કાલ અને સુલભ રીતે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જન્મદિને વધુમાં વધુ લોકોને રસી લઈ કોરોનામુકત જામનગર તરફ અગ્રસર થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

(1:24 pm IST)