Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જુનાગઢમાં વાડીના મકાનમાં ચાલતો જુગારધામનો પર્દાફાશઃ ૧૦ ની ધરપકડ

જુનાગઢ તા.૧૭ : જુનાગઢમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી ૧૦ શખ્સોને રૂ.૬.૪૬ લાખનાં મુદામાલ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.

જુનાગઢના ટીંબાવાડીની ધારીપીટ સીમમાં આવેલ વડીલો પાર્જીત જમીન વાડીના મકાનમાં ઋષી પાંચાભાઇ હીરપરા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડીવીઝનના પીએસઆઇ જે.જે.ગઢવીએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ઋષી હિરપરા તેમજ અશોકગર ખીમગર મેઘનાથી, નિલેશગર બુટલેગર મેઘનાથ, અમિત હરસુખભાઇ પંડયા, કમલેશભાઇ ભીખુભાઇ ગોસ્વામી, તુષાર ગીજુભાઇ રીબડીયા, લલીત વશરામભાઇ ટાંક, રૂપનારાયણ હરસુખલાલ ભટ્ટ અને મેહુલ દિલસુખભાઇ ભાયાણીને રૂ.૯૮૩૭૦ની રકમ સામે જુગાર રમતા પકડી પાડયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત મોબાઇલ ફોન મોટર સાયકલ અને કાર સહિત રૂ.૬,૪૬,૩૭૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:20 pm IST)