Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પોરબંદરમાં કીર્તીમંદિરની પાછળ પૂ.કસ્તુરબા ગાંધી જન્મ સ્થળની અતિ જર્જરિત હાલત

અઢી દાયકા પહેલા પૂ. કસ્તુરબા ગાંધીના જન્મ સ્થળને સ્મારક બનાવવાનો શિલાન્યાસ બાદ આયોજન આગળ વધી શકયુ નહોતું: આ જગ્યાની સફાઇ કરીને યાત્રીકો મુલાકાત લઇ શકે તેવી સુવિધાની ઉભી કરવાની જરૂર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૭: મોટા ભાગના યાત્રીકો રાજધાની દિલ્હી, આસપાસના વિસ્તારો કે જયાં રાષ્ટ્રપિતાએ આંદોલન કરેલ કે સમય અનુરૂપ કર્મભુમી તરીકે શેષ કાળ રહેલ તેની મુલાકાત લ્યે છે. પરંતુ જવલેજ્જ યાત્રીકો વિદેશી યાત્રીકો રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભુમી તેમજ પૂ. રાષ્ટ્રમાતા રાષ્ટ્રમાતા કસ્તુરબાની જન્મભુમીના દર્શનાર્થે આવે છે. અને કર્મભુમી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચે છે. રાષ્ટ્રીય યાત્રા સ્થાનોમાં પોરબંદર અને અમદાવાદ(સાબરમતી)માં આશ્રમ તેમજ કીર્તીમંદિર રાષ્ટ્ર પિતાનું જન્મ અને પૂ. સ્વ.રાષ્ટ્ર માતા કસ્તુરબાના જન્મસ્થળને સ્થાન અપાયેલ હોવા છતા રાષ્ટ્રીય યાત્રાધામની મુલાકાતે યાને દર્શનાર્થે યાત્રીકોની સંખ્યા આકર્ષીત જુજ પ્રમાણમાં છે. પરંતુ જવાબદાર મંત્રીશ્રીઓ પોરબંદરને વિશ્વના ફલક ઉપર મુકવા ઉદાસીન રહેલ છે.

માણેક ચોક મધ્યે ઉતર માત્ર પચ્ચીસ ફુટના અંતરે આવેલ રાષ્ટ્રપિતાનું જન્મસ્થળ કિર્તીમંદિર રાજય સરકાર હસ્તક છે ત્યારે મુળ જન્મસ્થાન રાષ્ટ્રીય સ્મારકની યાદીમાં કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક છે. રાષ્ટ્રપિતા જન્મના મુળ મકાન પાછળ આવેલ રાષ્ટ્રમાતા અં.સૌ.સ્વ.પૂ.કસ્તુરબાની જન્મભુમીનું ઘર માવતર  પ થી ૩  ઘર મોઢખડકીમાં આવેલ છે. જેમાં પુરાતત્વ ખાતાની કચેરી આવેલ છે. આ રાષ્ટ્રમાતા જન્મસ્થળની હાલત અતિ દયનીય બની ગયેલ છે. ત્યાં રાષ્ટ્રીય દર્શનાર્થી કે પર્યટક જન્મસ્થળના દર્શન કરી શકતો નથી. અલીગઢી તાળુ મારી દીધેલ છે. મકાન જોખમરૂપ છે. જયારે પુરાતત્વની કચેરીમાં એક માત્ર પટાવાળા સિવાય કોઇ કર્મી જવાબદારની હાજરી હોતી નથી. ઓફીસ રૂમમાં માત્ર ટેબલ-ખુરશી-પંખા-ઇલેકટ્રીક લાઇટની હાજરી સિવાય કાંઇ પણ મળે નહી. ચોથા વર્ગના કર્મચારી ઓફીસ ખોલીને કિર્તીમંદિર કેમ્પસમાં આવેલ રાષ્ટ્રપિતાના જન્મસ્થળ જુના મકાને સવારના ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી ફરજ પર રહે છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્રપિતાનું જુનુ જન્મસ્થળ મકાન પણ જીર્ણ હતું

ઉલ્લેખનીય છે કે, અ. સૌ. સ્વ. રાષ્ટ્ર માતા પૂ. કસ્તુરબાના જન્મ સ્થળ માતૃપિતૃ પક્ષના રહેણાંક મકાનની બાજુમાં તે જ મોઢ ખડકી કેમ્પસમાં ગ.પૂ. કસ્તુરબા સ્મારક બનાવવા રાજય સરકાર દ્વારા વિસ્તૃત આયોજન પોરબંદરના પૂર્વ નગરપાલિકા પ્રમુખ, આ વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ મંત્રી મંડળ - સરકારશ્રીમાં સામેલ પૂર્વ વિધાનસભા સ્પીકર અને કાયદા લેખન મંત્રીશ્રી સ્વ. શશીકાન્ત લાખાણીના સક્રિય પ્રયાસથી કસ્તુરબા મ્યુઝિયમ તેમજ સ્ત્રી ઉત્કર્ષની વિવિધ પ્રવૃતિ નિરાધાર બેરોજગારને પગભર થવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારનો સંપૂર્ણ આર્થીક સહયોગ મળી રહે અને તે રીતે આયોજન કરાવેલ. જે તે સમયના રાજય મંત્રીશ્રીએ પૂ. કસ્તુરબા સ્મારકનો શિલાન્યાસ કરવા પધારેલ. અને શિલાન્યાસ થતાં સ્મારક મકાન બનાવવાનું કાર્ય હાથ ધરાયેલ કોઇપણ કારણસર આ આયોજન આગળ વધી શકેલ નથી.

શિલાન્યાસ પછી ચણતર કામ શરૂ થયેલ. સ્થંભ ઉભા કરવામાં આવેલ. તે પણ હવે જર્જરિત થઇગયેલ છે. જમીન દોસ્ત થવા લાગેલ છે.

આ ઘટના લગભગ પચ્ચીસ વરસ આસપાસની છે. માણેક ચોક પશ્ચિમ ભાગે કસ્તુરબા મહિલા ગાર્ડન પ્રવેશ દ્વાર વિગેરે આયોજન કરાયેલ હાલ જે તે સ્થિતિમાં ઉભેલ છે. જગ્યામાં વૃક્ષો જંગલી વૃક્ષો આસપાસમાં ઉગી નીકળેલ છે. લોકો જાહેર શૌચાલય-મુરતડી તરીકે  ઉપયોગ કરતા તે અટકાવવા જગ્યા સારૂ કરાવી ગેઇટ બનાવી બંધ કરી દેવામાં આવેલ છે. શ્રીનાથજી હવેલી તેમજ કિર્તી મંદિરનો પશ્ચિમ ભાગની દિવાલો આવેલ છે, હાલ કસ્તુરબા ગાંધીના જન્મ સ્થળે જવા માટે કિર્તી મંદિરમાંથી માર્ગ પણ બનાવેલ છે.

કસ્તુરબાના જન્મ સ્થળની બાજુમાં જ પ્રણામી મંદિર તથા પશ્ચિમે પચ્ચીસ ફુટ જે ગોપાલ-ગોપાલાલજી હવેલી વૈષ્ણવ સંપ્રદાયની આવેલ છે. સ્મારકના રસ્તેથી પણ આવક - જાવક થઇ શકે છે. પ્રણામી મંદિરની પાછલી-દિવાલ કસ્તુરબાના જન્મ સ્થળની એક જ છે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી બાલ્ય અવસ્થામાં તેમના પૂ.દાદીમાં સાથે પ્રણામી મંદિરે સત્સંગમાં સાંજે કાયમી આવતા હતા. ધર્મ સંસ્કૃતિનો વારસો બાલ્યકાળથી જ તેમના પૂ.દાદીમા પાસેથી મળેલ છે. વર્તમાન સ્થિતિ રાષ્ટ્રમાતા પૂ. કસ્તુરબાનું જનમસ્થળનું બાલ્ય અવસ્થાનું માતા પિતા સાથેનું રહેણાંક મકાન જમીનદોસ્ત થાય તે પહેલા રીનોવેશન સમારકામ કરાવવા પુરાતત્વ વિભાગે આળસ ખંખેરે તેની જરૂર છે તેવું લોકો ઇચ્છે છે.

(1:17 pm IST)