Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ગર્ભ સંસ્કાર વિધિવિધાન નહીં, વિજ્ઞાન છે અપનાવો : ભારતને 'હિન્દુ'સ્થાન બનાવી રાખવું હશે તો પરાક્રમી સંતાનો જોઇશે

મહાન સંતાનોને જન્મ આપવા જનેતાઓને હાકલ : કચ્છી લેવા પટેલ સમાજ ભુજમાં ૪૦૦ યુવતીઓનો સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : હિન્દુ સનાતન વૈદિક ઇતિહાસમાં જન્મેલા મહાન ત્રી-પુરૂષો શ્રેષ્ઠ ગર્ભ સંસ્કારની દેન હતા, ગર્ભ સંસ્કાર માત્ર વિધિ વિધાન નથી, વિજ્ઞાન છે. આજે પણ યુગલો અપનાવે તો મહાન હિંદુ વિભૂતિઓનો જન્મ અવશ્ય થઇ શકે તેવી વાત ગણેશચતુર્થીના દિને ભુજ ખાતે લેવા પટેલ સમાજની ૪૦૦ મહિલાઓની ઉપસ્થિતિવાળા એક આયોજનમાં કરાઇ હતી.

આ કાર્યક્રમમાં સહયોગી કાર્યકરો સિવાય માત્ર મહિલાઓને જ આમંત્રાઇ હતી. સ્ત્રી મહાન સમાજ પેદા કરનારી કૃષક છે. આપણાં વૈજ્ઞાનિક અભિગમને વરેલા શાસ્ત્રો અને તેણે બતાવેલો માર્ગ છોડી આજે ભારતીયો પાશ્યાત્ય આકર્ષણમાં ફસાયા છીએ. વોટસએપ, ફેસબુક કે અન્ય સાયબર સંદેશાઓમાં દર્શાવાતી અધકચરી માહિતીને સાચી માની અપનાવી લેનાર આપણાં યુવાધનને પાછું વાળી સાચા સિદ્ઘાંતો સમજાવવાની જરૂર છે. તેની શરૂઆત ભુજ ખાતે કચ્છી લેવા પટેલ સમાજે કર્યો છે. તેવી વાત ગર્ભ વિજ્ઞાન કાર્યક્રમના વકતા ડો. હીતેશ જાનીએ સ્પષ્ટ શબ્દોમાં કરી હતી.

હિરણ્યાકશ્યપના ઘરે પુત્ર પ્રહલાદ અવતરે કે રાવણનો ભાઇ વિભિષણ હોય ત્યાંથી લઇ મુઘલોના લશ્કરમાં કામ કરતા પિતાનો પુત્ર હિન્દુ ધર્મ સંરક્ષક શિવાજી મહારાજ તરીકે અવતરે તો આપણાં વૈદિક સંસ્કારોનો પ્રતાપ છે તેવા અનેક ઉદાહરણો સાથે વકતાએ શબ્દ ન પામેલા આ વિષયને સમજાવ્યો હતો. સંતાનનો બુદ્ઘિ આંક ૮૭ ટકા જેટલો ગર્ભમાં જ નક્કી થઇ જાય છે. ગર્ભાવસ્થાના નવ માસની જીવનચર્યા, ગૌત્રજ્ઞાન, થેલેસેમિયા, આહાર, વિહાર, રક્ષાકર્મ, આયુર્વેદ સહિતના અનેક પાસાં પર પ્રકાશ પાડતા' વિચારો રજૂ થયા હતા. મહિલાઓના પ્રતિભાવ, ગર્ભચાલીસા, પ્રશ્નોત્તરી વણી લેવાઇ હતી.

કચ્છી લેવા પટેલ સમાજ ભુજની ત્રણેય પાંખો આયોજીત આ કાર્યક્રમનું દીપ પ્રાગટય પ્રમુખ વેલજીભાઇ પીંડોરીયા, જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, તાલુકા પં. પ્રમુખ મંજુલાબેન ભંડેરી, સમાજના મહિલા કાર્યકરો કાંતાબેન વેકરીયા, દક્ષાબેન પીંડોરીયા, મનિષા પટેલ, નીમુ મેપાણી, હિનાબેન, શબ્દ સંકલનકર્તા કંચનબેન વરસાણી તથા તમામ મહિલા સભ્યો દ્વારા કરાયું હતું. સમાજે ચોવીસી ગામોમાં બસની વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ પીંડોરીયાએ જણાવ્યું' કે શ્રેષ્ઠ હિંદુ સંતાનો અત્યારે પણ છે, ભૂતકાળમાં પણ હતા. અને ભવિષ્યમાં પણ અવતરતા રહેશે. ગર્ભ સંસ્કાર જગતને હિન્દુ વૈદિક પરંપરાની દેન છે. ભારતને 'હિન્દુ' સ્થાન બનાવી રાખવું હશે તો ઘર ઘર પરાક્રમી સંતાનો જોઇશે. લેવા પટેલ સમાજે તો એક નાની પહેલ કરી છે. દરેક સમાજો એ પોતાના સંતાનોને આ વિજ્ઞાન સમજાવે તેવી અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુખપરમાં માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આ સંસ્કાર શીખવાડવામાં આવી રહ્યા છે તેવું રવજીભાઇ ખેતાણીએ કહ્યું હતું. આયોજનમાં માંડવી લેવા પટેલ સમાજ-યુવક સંઘ સહિત ચોવીસીના તમામ સમાજોએ સહકાર આપ્યો હતો. પ્રારંભે જિ.પં. પ્રમુખ પારૂલબેન કારાએ સમાજની નારી શકિતને નેતૃત્વ લેવા અનુરોધ કર્યો હતો અને કાર્યક્રમના આયોજન અને વિષય પસંદગીને બિરદાવી હતી.

(12:03 pm IST)