Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

૧૯૬૫માં આજના દિવસે પાકિસ્તાને દ્વારકાધીશ મંદિર ઉપર હુમલો કર્યો'તો

દ્વારકાવાસીઓ દ્વારા વિજયોત્સવ તરીકે ઉજવણી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૭: ભારતના મોટા દુશ્મન પાકિસ્તાન દેશ એ ૧૯૬પ માં યાત્રાધામ દ્વારકા નગરીને તથા જગત મંદિરને બોમ્બમારાથી ઉડાવી દેવાના કાવતરાને ભગવાન દ્વારકાધીશજીએ તેમના હિત ચમત્કારથી ખાળી દીધો હતો. જેની તા.૧૭મીના વર્ષી એટલે વામન દ્રાદશ જયંતીનો દિન પુજારીઓ અને દ્વારકા વાસીઓ વિજયોત્સવ તરીકે ઉજવે છે. સને ૧૯૬પની વામન દ્વાદશ જયંતીના દિને સમુદ્ર માર્ગે પાક સૈન્ય તેમની વિશાળકાય બોમ્બમારાની ટેન્કો સાથે દ્વારકા પાસેના સંગમ નારાયણા મંદિરના સામેના ભાગે દ્વારકાધીશ મંદિરને  બોમ્બમારાથી ઉડાવી દેવા ગોઠવાઇ ગઇ હતી. વિશાળ લશ્કર અને તોપગોળા સાથે હુમલો કર્યો હતો.

પરંતુ દ્વારકાધીશજીની કૃપા અને ચમત્કારથી સમુદ્રમાં દરીયાના પાણીની સપાટી ભરતીની ઓટના કારણે પાણીનું લેવલ ઉંચુ થઇ જતા પાક દુશ્મનોએ કરેલા બોમ્બ જગત મંદિરની શિખરની ઉપરથી પસાર થઇને દ્વારકા આસપાસના ખેતરોમાં પડયા હતા. આમ ભગવાન દ્વારકાધીશજીના હિત ચમત્કારથી પાકની નાપાક યોજના નિષ્ફળ ગઇ હતી.

પાક હુમલાના ડરથી દ્વારકાવાસીઓમાં પણ ખળભળાટ વ્યાપી ગયો હતો અને ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને નાશભાગ મચી હતી.

હુમલાની ઘટના સાથે જ પાક રેડીયો એ તો દ્વારકા નગરી જલ રહી હૈનો હિન્દી ભાષામાં  સંદેશો પણ જાહેર કરી દીધો હતો. જે ખોટો પડયો હતો. હુમલામાં થયેલા બોમ્બમારાના અવશેષો દ્વારકા આસપાસના ખેતરોમાં જઇને પડયા હતા અને લોકો ફુટી ગયેલા બોમ્બના ટુકડાઓ હાથમાં ઉપાડીને દ્વારકા લાવ્યા હતા તેની નોંધ આજે પણ છે.

બોમ્બ પૈકીના ટુકડાઓ આજે પણ દ્વારકા શારદાપીઠ સંચાલીત સાંસ્કૃત એકેડેમીમાં જોવા મળે છે.

હુમલાની ઘટના બાદ વર્ષોથી ગુગળી જ્ઞાતિ પ૦પ દ્વારા દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વજાજીનું આરોહણ કરી વિજયોત્સવ ઉજવવામાં આવે છે.

આજે ગુગળી  સમાજના પ્રમુખ અશ્વીનભાઇ પુરોહીત તથા મહામંત્રી કપીલ વાયડા અને ઉપપ્રમુખ પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને સમાજની કારોબારી ધ્વજાજીનું પુજન કરી ધ્વજાજીની શોભા યાત્રા સાથે વાજતે ગાજતે વિજયોત્સવની ઉજવણી કરે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(12:01 pm IST)