Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પૈસામાં હું ટ્રેપ થઇ ગયો, થોડી મદદ મળી હોત તો ફરીથી ઉભો થઇ જાત, ભગવાને મારો રોલ અહીં પૂરો કરવાનું કીધુ : અમદાવાદના યુવકનો આર્થિક ભીંસથી કંટાળી સુરેન્દ્રનગરમાં આપઘાત

વઢવાણ, તા. ૧૭ : અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા વિશ્વેશ્વર ફલેટમાં રહેતો યુવાન બે દિવસ પહેલા સુરેન્દ્રનગરની હોટેલમાં રોકાયો હતો. સોમવારે સવારે ચેક આઉટનો સમય થવા છતાં તેઓ બહાર ન આવતા હોટલ સ્ટાફે તપાસ કરતા યુવાને જેરી દવા પીને આપઘાત કર્યો હતો.

સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તા પર આવેલી એક હોટલમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં વિશ્વેશ્વર ફલેટમાં રહેતા પરીક્ષીતભાઇ ત્રિવેદી બે દિવસ પહેલા આવ્યા હતાં. સોમવારે સવારે તેમને ચેક આઉટનો સમય થવા છતાં તેઓ બહાર ન આવતા હોટેલ સ્ટાફે થોડીવાર દરવાજો ખટખાવ્યો હતો, પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતા અંતે બીજી ચાવીથી દરવાજો ખોલતા રૂમના પલંગમાં તેમની લાશ પડી હતી. બનાવની જાણ પોલીસને થતા તુરંત દોડી આવી તપાસ કરતા ઝેરી દવા પી યુવાને આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું હતું.

સ્યુસાઇડ નોટ મળી

શિલ્પા, રિદ્ધિ અને મારી જાનકુડી મને માફ કરી દો. શું લખવું એ ખબર નથી પડતી, પણ મેં તમને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરી છે. હજુ પણ રાખી શકત પણ પ્રભુને મંજૂર નથી. પૈસામાં હું ટ્રેપ થઇ ગયો. થોડી મદદ મળી હોત તો ફરીથી ઉભો થઇ જાત, પણ ભગવાને મારો રોલ અહીં પૂરો કરવાનું કીધું. મારા મિત્રોએ મને મદદ કરી છે. તેમને વિનંતી કે મારા ફેમિલીને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશો.

(1:20 pm IST)