Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પોરબંદર જિલ્લામાં સરકારી કાર્યક્રમો સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુકત રાખવા કલેકટરનો અનુરોધ

પોરબંદર તા.૧૭: પોરબંદર જિલ્લાને સિંગલ-યૂઝ પ્લાસ્ટીક મુકત બનાવતા કલેકટરશ્રી ડી.એન.મોદીએ પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. તેમણે સૌ પ્રથમ સરકારી કાર્યક્રમોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટીક હટાવવાની હિમાયત કરી છે. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં તેમણે પ્લાસ્ટીકની બોટલમાં પાણી, પ્લાસ્ટીકની ફાઇલો, પ્લાસ્ટીના ગ્લાસ સહિતની વસ્તુઓ અંગે સ્પષ્ટ સુચનાઓ આપી તેનાથી દૂર રહેવા સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

પ્લાસ્ટીકથી થતુ પ્રદુષણ અને તેની ભયાવહ અસરોથી આપણે સૌ અવગત છીએ તેમ જણાવી કલેકટરશ્રીએ કહ્યુ કે, શરૂઆત આપણાથી જ કરવી જરૂરી છે. સિંગલ-યુઝ પ્લાસ્ટીકના ઉપયોગથી આપણે દુર રહી જીવનમાં સારી આદત પાડવાની છે ધીમે ધીમે આ આદત આપણાં જીવનનો ભાગ બનશે ત્યારે જ આપણે સિંગલ-યુઝ પ્લાસ્ટીકથી મૂકત બનીશુ.

કલેકટરશ્રીએ સરકારી કાર્યક્રમોમાં મહાનુભાવોના સ્વાગતમાં ખાદીની વસ્તુઓનો ઉપયોગ કરવાનુ જણાવી કહ્યુ કે, તેનાથી નાના કારીગરોને રોજગારી મળશે, ખાદીનું વેચાણ વધશે. અને આપણે તો ગાંધીબાપુની ભૂમિમાં ફરજ બજાવીએ છીએ ત્યારે એનાથી સારૂ કોઇ પગલુ ના હોય શકે. સિંગલ-યુઝ પ્લાસ્ટીકના વપરાશથી થતો કચરો પાણીના વહેણને પણ રોકી આપણા માટે આફત સર્જે છે. આ બધી બાબતોથી છુટકારો મેળવવા અધિકારીઓ સાથે તમામ લોકોને તેમણે સિંગલ-યુઝ પ્લાસ્ટીકના વપરાશથી બચવા વિશેષ પણે અનુરોધ કર્યો છે.

(12:31 pm IST)