Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હેલ્‍મેટ, લાયસન્‍સ સહિત ટ્રાફિકના નવા નિયમ મુજબ હજારોનો દંડ

ખંભાળિયા, તા. ૧૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા ટ્રાફિક નિયમોની અમલવારી કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રોહનકુમાર આનંદ દ્વારા દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્‍ટેશનોના અધિકારીઓની સામુહિક મિટીંગ ગઈકાલે સવારે યોજી હતી. જેમા જિલ્લા ટ્રાફિક પી.આઈ. ડી.બી. ગોહીલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફીક વિભાગના પી.આઈ. શ્રી ડી.બી. ગોહિલની આગેવાની હેઠળ ખંભાળિયા શહેર તથા રેલ્‍વે સ્‍ટેશન વિસ્‍તાર તથા ચાર રસ્‍તા વિસ્‍તારમાં ટ્રાફિક અંગે ઝુંબેશ ચલાવાઈ હતી તથા તેમણે કાગળો વગરના છ વાહનો ડીટેઈન કર્યા હતા તથા ચાર કેસ હેલ્‍મેટના કરી ૨૦૦૦ દંડ વસુલાયો હતો. પાંચ કેસ સીટ બેલ્‍ટમાં દંડ તથા ત્રણસ્‍વારીનો એક કરાયો હતો.

જો કે સવારથી પોલીસે હળવુ વલણ શરૂ કરેલુ જે પછી બપોર પછીથી કડક કાર્યવાહી શરૂ કરતા ઠેર ઠેર હેલ્‍મેટવાળા વાહન ચાલકો દેખાતા હતા તો કેટલાયે વાહનચાલકો સાઈડ રસ્‍તા પરથી વાહનો ગલીઓમાં ચલાવતા જોવા મળ્‍યા હતા તો નાના છોકરાઓ પાસેથી વાહનો ‘ગૂમ ' થયેલા જોવા મળતા હતા.

ખંભાળિયામાં એક સાથે હેલ્‍મેટ ખરીદવા પડાપડી થતા ગામની તમામ દુકાનોમાં હેલ્‍મેટનો સ્‍ટોક ખલાસ થઈ ગયો હતો. પી.યુ.સી. સેન્‍ટર હોય ત્‍યાં પણ કતારો લાગી હતી તો વીમા એજન્‍ટો પાસે વીમા કરાવવા પણ દોડાદાડી મચી ગઈ હતી.

જિલ્લા પોલીસ વડા રોહનકુમાર આનંદે તમામ પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોલીસકર્મીઓને પણ સૂચના આપેલી છે.

 

(12:29 pm IST)