Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઢેબર ઇકો સેન્સેટીવ ઝોનમાં ૧.૪૦ કરોડની ખનીજ ચોરી

ભાણવડ તા. ૧૭ :.. તાલુકાના ઢેબર ગામની સીમમાં સર્વે નં. ૧૬૬ વાળી જગ્યા જે બરડા વન્ય પ્રાણી અભ્યારણનું ઇકો સેન્સેટીવ ઝોન છે તેમાં કેટલાક ખનીજ માફીયાઓએ ગેરકાયદેસર પ્રવેશ કરી તા. ૧૮ જૂલાઇ પહેલાના સમયગાળામાં આ જગ્યામાંથી મોટા પાયે બિલ્ડીંગ લાઇમ સ્ટોનનું ગેરકાયદેસર ઉત્ખનન કર્યુ હતુ જેની ભુસ્તર અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી હતી જેને આધારે આંકડો જાહેર કરવામાં આવતા કુલ ર૭૮૪૯ મેટ્રીક ટન લાઇમ સ્ટોનનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવેલુ હોવાનું જાહેર થતા તેની સરકારી કિંમત મુજબ રૂ. ૧,૪૦,૩પ,૮૯૬ જેવી માતબર રકમનું લાઇમ સ્ટોન થાય છે. આ ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતી જગ્યા હોઇ પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તનના જાહેરનામા-ર૦૧૭નો ભંગ કરવામાં આવ્યો હતો જેને પગલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ખનીજ કાયદો, જાહેર નામાનો ભંગ સહિતના ગુન્હા હેઠળ અજાણ્યા ખનીજચોરો સામે બરડા અભ્યારણ ઇકો સેન્સેટીવ ઝોન મોનીટરીંગ કમીટીના સેક્રેટરી દિપક જનાર્દન પંડયાએ ફરીયાદ નોંધાવતા ભાણવડ પોલીસે અજાણ્યા ખનિજ ચોરોની શોધખોળ આદરી છે. વધુ તપાસ હેડ કોન્સ. દેસુરભાઇ ભાચકન ચલાવી રહ્યા છે.

(12:17 pm IST)