Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં નર્મદા નીરના વધામણાઃ નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી

જુદા જુદા ડેમ-નદીમાં નવા નીરનું પૂજનઃ નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે સેવાકાર્યોનો ધમધમાટ

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નર્મદા નીરના વધામણા કરવા માટે નમામિ દેવી નર્મદે મહોત્સવ પણ ઉજવાઇ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

આ વખતે ગુજરાત ઉપર મેઘરાજાએ મહેરબાની કરી છે અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપરના સરદાર સરોવર ડેમ બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખતે પુર્ણ રીતે ભરાઇ જતા નર્મદા નીરના વધામણા કાર્યક્રમ યોજાયો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે સેવાકાર્યોનો ધમધમાટ થયો છે. અને રકતદાન કેમ્પ, અભિષેક, પૂજન, અર્ચન, સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જસદણ-જીવાપર

રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી વહીવટી તંત્ર દ્વારા જસદણના જીવાપર ગામે આવેલી કર્ણુકી જળ સંપતિ યોજના ખાતે કેબિનેટ મંત્રી આર. સી. ફળદુની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તાલુકાના કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ ઉપલેટામાં સોમનાથ મંદિરે, ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિરે, ભાયાવદરમાં રૂપાવટી નદીના કિનારે, જસદણમાં આલણ સાગર ડેમ, ગોંડલમાં આશાપુરા મંદિર પાસે અને જેતપુરમાં તળાવ ખાતે યોજાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળીયા-જામનગર હાઇવે પરના સિંહણ ડેમ ખાતે મંત્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં યોજાયો છે. જેમાં સાંસદ પુનમબેન માડમ, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, મેઘજીભાઇ કણઝારીયા, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ વિગેરે ઉપસ્થિત કરાયો હતો. આ ઉપરાંત જિલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયત સીટના વિસ્તારોમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જીલ્લામાં કુલ ર૯ સ્થાનો પર નમામિ દેવી નર્મદે મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ મચ્છુ-ર ડેમ સાઇટ, નર્મદા ફીડર કેનાલના કાંઠે, ફલોરા રીવર સાઇટની બાજુમાં અને જોધપર નદી ખાતે યોજાયો હતો.

આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતની ર૪ બેઠક અને મોરબી જિલ્લાની વાંકાનેર, માળીયા, હળવદ તથા મોરબી નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ પણ યોજાશે. ટંકારા તાલુકામાં  વીરપર ગામે સમય ફેકટરીની સામે જૂના તળાવ ખાતે, કલ્યાણપર ગામે પ્રભુચરણ આશ્રમ પાસેના તળાવ ખાતે તથા મિતાણા ડેમ, ડેમી-ર પાસે નવા નીરની વધામણી કરવામાં આવી હતી.

ટંકારા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતે સવારે યજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ભાજપના અગ્રણીઓ જોડાયા હતાં.

જુનાગઢમાં સવારે ૯.૩૦ કલાકે નરસિંહ મહેતા સરોવર કિનારે આવેલા શહિદ સ્મારક ખાતે પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં ઉજવણી કરઇ હતી. જેમાં સંતો - મહંતો સાથે મેયર ધીરૂભાઇ ગોહેલ, ઉચ્ચ અધિકારીઓ, મનપાના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત હતાં.

બોટાદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કુલ ર૩ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાત રાજય બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવા તથા સંતો-મહંતોની ઉપસ્થિતીમાં ગઢડા તાલુકાના ગોરડકા ખાતે યોજાશે. આ કાર્યક્રમ અન્વયે સંબંધિત વિસ્તારના મુખ્ય તળાવો પર સામુહિક આરતી તેમજ શ્રીફળ પધરાવવા સાથે સાંસ્કૃતિક, વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટીક મુકત અભિયાન અંતર્ગત જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયો હતાં.

 

સામાન્ય રીતે કોલેજના કોઇ પ્રિન્સીપાલ કે પ્રોફેસરને ''ગુરૂજી''નું બિરૂદ આજના સમયમાં ભાગ્યે જ મળતુ હોય છે : ભાવનગરના તખ્તસિંહજી પરમારને શ્રધ્ધાંજલી અર્પતા શકિતસિંહ ગોહિલ

ભાવનગર શામળદાસ કોલેજના માજી પ્રિન્સિપાલ આદરણીય તખ્તસિંહજી પરમાર ઉર્ફે ગુરૂજીના પરિવારના સભ્યોની સામાજિક મુલાકાત લીધી અને સ્વ. ગુરૂજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે સામાન્ય રીતે કોલેજના કોઇ પ્રિન્સિપાલ કે પ્રોફેસરને ગુરૂજીનું બિરૂદ આજના સમયમાં ભાગ્યે જ મળતુ હોય છે.

(12:14 pm IST)