Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વિંછીયામાં હેલ્મેટના વિરોધમાં હવન-સાયકલ રેલી : આકરા દંડ સામે ભભૂકતો રોષ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ટ્રાફીકના નવા નિયમો સામે આક્રોશ

વિંછીયા : હેલ્મેટના વિરોધમાં સાયકલ રેલી, હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. (તસ્વીર : પિન્ટુ શાહ-વિંછીયા)

રાજકોટ, તા. ૧૭ : રાજય સરકાર દ્વારા ગઇકાલથી ટ્રાફીકના નવા નિયમો અને હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે આકરા દંડ સામે ભારે રોષ ફેલાયો છે.

વિંછીયા

વિંછીયા : સમગ્ર ભારતમાં આર.ટી.ઓ.ના નામે સામાન્ય જનતાના માથે જે નિયો નાંખી અને રાક્ષસી દંડ લગાવાયા છે તેના વિરોધમાં આજે વિંછીયા તાલુકામાં રાજ ગ્રુપ અને કોળી વિકાસ સંગઠનના યુવાનો દ્વારા સરકારને જગાડવા અને સરકારને સદ્બુદ્ધિ આવે તેવા હેતુથી વિંયછીયામાં યજ્ઞનું આયોજન કરાયું હતું. યુવાનોએ રોષ સાથે જણાવ્યું કે પ્રજા લાચાર થઇ ગઇ છે. એક બાજુ મંદી છે તે પૂર્વે જી.એસ.ટી., નોટબંધી અને હવે આર.ટી.ઓ.ના ભારે ખમ દંડ કેટલાક યુવાનોએ હેલ્મેટ ને બદલે માથામાં તપેલી પહેરી તો સંખ્યા બંધ યુવાનોએ સાયકલ યાત્રા કાઢી માથે હેલ્મેટ પહેરી વિંછીયાના રાજ માર્ગો પર ફરી સરકાર વિરૂદ્ધ સુત્રચ્ચાર કરી મામલતદાર કચેરીએ રોષપૂર્ણ આવેદન આપી સામાન્ય જનના ખિસ્સાને ન પરવડે તેવા રાક્ષસી દંડનો વિરોધ કર્યો હતો. યુવાનોએ જણાવ્યું હતું કે પહેલા ગામડાઓને જોડતા રોડ રસ્તા સારા કરો, દવાખાનાઓમાં ડોકટર નિમો પછી પછી દંડ કરજો. આ કાર્યક્રમમાં કોળી વિકાસ સંગઠનના મોતીભાઇ, મુકેશભાઇ રાજપરા, રસીકભાઇ, વિજયભાઇ, જેન્તીભાઇ, શૈલેષભાઇ, જિતેન્દ્રભાઇ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

ભાવનગર

ભાવનગર : આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફીકને લગતા નવા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ કાયદો રદ કરવામાં નહીં આવે તો સત્યાગ્રહ કરવાની ચીમકી આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા નવા ટ્રાફીક નિયમના વિરોધમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ કાયદો પાછો ખેંચી લેવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવા અંગે આમ આદમી પાર્ટીના આગેવાને માહિતી આપી હતી. આમ આદમી પાર્ટી દ્વારા કાળા કાયદાના વિરોધમાં આગામી ૧લી ઓકટોબરથી ગુજરાતભરમાં અસરકાર આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

(12:10 pm IST)