Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કાલાવડના દાણીધારધામ ખાતે બુધવારે સંતશ્રી નાથજીદાદાનો શ્રાધ્ધ ઉત્સવઃ ભવ્ય લોકડાયરા સહિતના વિવિધ કાર્યક્રમો

સવારે સમાધી પૂજન, પ૧ થાળ, રાધે કાન-ગોપીનો કાર્યક્રમ, રાત્રે લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખાવડ, લોકગાયીકા પૂનમબેન ગોંડલીયા તથા શૈલેષ મહારાજ ભજન, દુહા-છંદની રમઝટ બોલાવશેઃ ભાવીકોને ઉમટી પડવા અપીલ

રાજકોટ, તા., ૧૭ઃ કાલાવડ તાલુકાના સુવિખ્યાત દાણીધારધામમાં સંતશ્રી શ્રીનાથજી દાદાના ૩૯૩માં  શ્રાધ્ધ ઉત્સવની આગામી તા.૧૮મીને બુધવારે  ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભવ્ય લોકડાયરા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રાજપુત ક્ષત્રીય ચૌહાણ કુુટુંબમાં જન્મ ધારણ કરનાર મહા સિધ્ધ મહાત્મા સંતશ્રી  શ્રી નાથજી દાદાની  દાણીધાર ધામ ખાતે પાવન સમાધી છે. તેમજ અહીંયા ૧ર જીવાત્માઓની જીવીત ચેતન સમાધી આવેલ છે. વિક્રમ સવંત ૧૬૩૪ ની આસપાસ  અહીં શ્રીનાથજી દાદાએ પોતાના ગુરૃશ્રી પ્યારેરામજી બાપુના આદેશથી આજુબાજુના ગામોમાં કાવડ ફેરવી જરૃરીયાત મંદોને ટુકડો આપ્યો અને પાણીના પરબ બંધાવેલ. આ સેવામાં શ્રીનાથજી દાદા સાથે શ્રી ગંગારામ  ભુત સ્વરૃપે અને મોતીરામ શ્વાન તરીકે જોડાયા હતા. વિક્રમ સવંત ૧૬૭૯ જેઠ વદ ૪ના દિવસે શ્રીનાથજી દાદા તેમજ તેના ૧૧ શિષ્યો અને ટોળા ગામે મોતીરામ (શ્વાને) જીવતા સમાધી લીધી હતી. ત્યાર પછીના વર્ષોથી ભાદરવા વદ-૪ના દિવસે શ્રીનાથજી દાદાનો ભવ્ય શ્રાધ્ધ ઉત્સવ ઉજવવામાં આવે છે.

દાણીધારની પવિત્ર ભુમીમાં ર૦૦૬ના વર્ષમાં ૩૬પ દિવસ શ્રી વિષ્ણુ, સવંતસર મહાયજ્ઞ થયેલ. તેમજ બીજી વખત ર૦૧૮માં સતત ૩૬પ દિવસ શ્રી વિષ્ણુ, સવંતસર મહાયજ્ઞનું આયોજન થયેલ હતું. સંત શ્રી શ્રીનાથજી દાદાની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસી બાપુની તપોભુમી દાણીધાર ધામમાં તા.૧૮ને બુધવારે શ્રીનાથજી દાદાના શ્રાધ્ધ ઉત્સવ પ્રસંગે સવારે ૭ થી ૯ સમાધી પુજન, સવારે ૧૦.૩૦ કલાકે પ૧ થાળ, ૧૦ થી પ  રાધે કાન-ગોપી (બામણાસા ગીર) કાર્યક્રમ, તેમજ રાત્રે ૯ કલાકે ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ, લોકગાયીકા પૂનમબેન ગોંડલીયા તથા ભજનીક શૈલેષ મહારાજ ભજન-દુહા-છંદની રમઝટ બોલાવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી વચ્છરાદાદા, જીવદયા ગૌસેવા ટ્રસ્ટ, વચ્છરાજ બેટ (કચ્છનું નાનુ રણ)ના પ્રમુખશ્રી લક્ષ્મણબાપુ, તેમના સેવકગણ સાથે પધારશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરના ભાવીકોને ઉમટી પડવા શ્રી સુખદેવદાસજી બાપુ, ગુરૃશ્રી ચત્રભુજદાસજી બાપુ  (શ્રી ઉપવાસી બાપુ) એ અપીલ કરી છે.

(10:36 am IST)