Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

લોધીકાની સાહીસ્તા વલોરા ખેલ મહાકુંભમાં ઝળકીઃ પાંચમી વખત જીલ્લા ચેસ ચેમ્પીયન બની ગૌરવ વધાર્યુ

પાંચમી વખત વિજેતા બની લોધીકા ગામનું ગૌરવ વધાર્યુઃ સિધ્ધી બદલ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા સન્માન કરાયુઃ વલોરા પરિવારની સાહીસ્તા-આમના-નિગારએ અત્યાર સુધીમાં ૧પ મેડલ જીતી ગામ-પરિવારનું ગૌરવ વધાર્યુ છે

જીલ્લા ચેસ સ્પર્ધામાં સતત પાંચમી વખત ચેમ્પિયન બની વલોરા પરિવાર ત્થા ગામનું ગૌરવ વધારનાર સાહીસ્તા વલોરાનુ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ સન્માન કર્યુ હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : સલીમ વલોરા)

લોધીકા તા. ૧૭ :.. રાજય સરકાર દ્વારા યોજવામાં આવતા ખેલ મહાકુંભમાં લોધીકાનાં ન્યુઝ પેપર એજન્ટ સલીમ વલોરાની પુત્રી સાહીસ્તા વલોરાએ ખેલ મહાકુંભ ર૦૧૯ માં અંડર-૧૬ ચેસની સ્પર્ધામાં પાંચમી વખત જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા જાહેર થતા આ વિસ્તારનાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

ખેલ મહાકુંભની સ્પર્ધામાં સાહીસ્તા દર વર્ષે ભાગ લે છે, જેમાં દર વખતે ચેસની રમતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બને છે. જીલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા ત્રંબા મુકામે યોજાયેલ જેમાં તેણે પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલ. સાહીસ્તાનાં દાદા સ્વ. આદમ મુસા વલોરા ચેસની સ્પર્ધામાં અભ્યાસુ હોય તેમની પ્રેરણા થકી પાંચમી વખત જીલ્લા કક્ષાએ વિજેતા થતા તેમની સિધ્ધિએ લોધીકા તાલુકાનું નામ રોશન કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વલોરા પરિવારની સાહીસ્તા, આમના, નિગાર ત્રણેય બહેનોએ અત્યાર સુધી ૧પ વખત ચેસની સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ વિજેતા જાહેર થયેલ છે.

તેમની સિધ્ધી બદલ ગ્રામ પંચાયતમાં યોજાયેલા સન્માન કાર્યક્રમમાં આ વિસ્તારનાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા સાહીસ્તા વલોરાનું સન્માન કરાયુ હતું. આ તકે ઉપસરપંચ રાહુલસિંહ જાડેજા, પૂર્વ સરપંચ રણજીતસિંહ જાડેજા, ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, કિશોરભાઇ પીપળીયા, વિખ્યાત આર્ટીસ્ટ અજીતભાઇ સોની, ધીરૂભાઇ વાડોદરીયા, સગ્રામભાઇ શીયાળ, આંબાભાઇ રાખૈયા, પ્રકાશભાઇ પરમાર વિગેરેએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ હતી.

(9:57 am IST)