Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભુજ - મટન માર્કેટને મુદ્દે મહિલાઓએ કલેકટર ઓફિસમાં કર્યો હંગામો - પોલીસે બળપ્રયોગ કર્યો?

ભુજ તા. ૧૭ : ભુજમા ફરી એકવાર મટન માર્કેટના મુદ્દે માલાણી ફળીયાના રહેવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. કલેકટર કચેરીની સંકલન બેઠક દરમ્યાન જ માલાણી ફળિયાની મહીલાઓ અને પુરૂષો ટોળા સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આ ટોળા દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહન ને કલેકટર કચેરીની બહાર જ ઘેરીને મટન માર્કેટ હટાવવા ના નિર્ણય નો અમલ કરાવવા માંગ કરાઈ હતી. રહેવાસીઓએ પોતાની અરજીમાં મટન માર્કેટ હટાવવા ના થયેલા નિર્ણયનો અમલ કરીને તેને અત્યારની જગ્યાએ થી ખસેડવા માંગ કરી હતી. અહીં શાળા તેમ જ મંદિર આવેલા છે, મટન માર્કેટ અને રહેણાંક ના મકાનો મા જાહેરમા થતા મરઘીઓ ના વ્યાપારને કારણે લોકો ઉપર તેમ જ બાળકો ઉપર પણ ગંભીર અસર થતી હોવાની રહેવાસીઓ ફરિયાદ છે. લેખિત માંગણી મા રહેવાસીઓ ની જૂની રજૂઆતો, ઉપરાંત મંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા દ્વારા પણ કલેકટરને અગાઉ કરાયેલ રજૂઆતો સામેલ કરીને જાહેરમા કરાતા મરઘીઓ ના વ્યાપાર તેમ જ મટન માર્કેટ ને અહીંથી ખસેડી મંજુર કરેલી નવી જગ્યાએ લઈ જવા જણાવાયું હતું.ઙ્ગ

દરમ્યાન રજુઆત કરનારાઓએ ન્યૂઝ૪કચ્છ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે તેમને કલેકટર ઓફીસની અંદર થી બળજબરી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને રજુઆત માટે પુરતી તક અપાઈ નહોતી. જોકે, કલેકટર ઓફીસની અંદર તેમ જ બહાર પોલીસ અને રહેવાસીઓ વચ્ચે સતત જીભાજોડી થતી રહી હતી. જોકે, સ્થળ ઉપર જ પોલીસ કર્મીઓ સાથે ફરજ બજાવતા એલસીબી પીઆઇ જનક આલેએ વાતચીતમા પોલીસે બળપ્રયોગ કર્યો હોવાના આક્ષેપ ને નકાર્યો હતો અને ખુલાસો કર્યો હતો કે અમે કલેકટર ઓફીસની અંદર શાંતિ જાળવવા રહેવાસીઓને સમજાવીને શિસ્તપૂર્વક રજુઆત કરવા કહ્યું હતું. તેમ જ તેમની રજુઆત ભુજ નગરપાલિકા માં કરવા જણાવ્યું હતું.ઙ્ગ

પોલીસ અને રજુઆત કર્તાઓ વચ્ચે ચાલતા બોલાચાલી અને સમજાવટના દોર વચ્ચે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા દોડી ને કલેકટર કચેરીએ પહોંચવાનું જણાવાયું હતું. એટલે તેઓ દોડતા આવી ગયા હતા અને રજુઆત કરનારાઓને પાલિકા કચેરીએ આવીને રજુઆત કરવા જણાવ્યું હતું. જોકે, આ વચ્ચે માલાણી ફળીયા ના રહેવાસીઓએ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને ફોન કરીને રજુઆત કરી હતી.

ધારાસભ્ય ડો. નીમાબેનને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે રહેવાસીઓની લાગણી તેમના ધ્યાનમાં છે,અને મટન માર્કેટ ખસેડવા માટે પોતે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મટન માર્કેટના વ્યાપારીઓ સાથે તેમની બેઠક થઈ ગઈ હોવાનું અને સમજાવટ સાથે તેમને નવું સ્થળ સંજોગનગર પાસે ફાળવવાની કામગીરી ટૂંક સમયમાં જ કરાશે એવું જણાવ્યું હતું.

(3:50 pm IST)