Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મુળ જામનગર પંથકની ફિનાલી ગલૈયાએ મિસ કેન્યા-૨૦૧૮નો કિતાબ જીતી ઇતીહાસ રચ્યો

અમદાવદઃ ગુજરાતી યુવતીએ દુનિયામાં ડંકો વગાડ્યો છે. જામનગર નજીક આવેલા ખેરા બેરાજા ગામના મહાજન પરિવારની ૨૪ વર્ષીય યુવતી ફિનાલી ગલૈયા મિસ કેન્યા ૨૦૧૮ કોન્ટેસ્ટમાં વિજેતા બની છે. સુંદરતાના કારણે ફિનાલી ગલૈયાએ આ સ્પર્ધામાં ટોપનુ સ્થાન હાંસલ કર્યુ છે. ફિનાલી ગલૈયા હવે આગામી સમયમાં ચીન ખાતે યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ જામનગરના એનઆરઆઈ મહાજન પરિવારની યુવતી ફિનાલી ગલૈયાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર તાલુકા મથક નજીક જ આવેલ ખારા બેરાજા ગામનો એક મહાજન પરિવાર ધંધાર્થે કેન્યાના નૈરોબીમાં સ્થાયી થયો હતો. ત્રણ-ચાર દાયકાઓ પૂર્વે દુષ્કાળભરી રાજયની સ્થિતિ સામે અનેક મહાજન પરિવારો કેન્યા સહિતના અન્ય દેશોમાં સ્થાયી થઇ ગયા છે. જેમાં મોટા ભાગના મહાજન કેન્યાના નૈરોબીમાં સેટ થયા છે. આ પરિવાર પૈકી ખારા બેરાજાના મહાજન ગેલૈયા પરિવારની ૨૪ વર્ષીય પુત્રી ફિનાલી એ કેન્યાની સાથે અન્ય દેશોનું ધ્યાન ખેંચ્યું છે. નૈરોબીમાં જ જન્મેલી ગેલૈયાએ સ્થાનિક શાળા અને કોલેજમાં અભ્યાસ કાર્ય પૂર્ણ કર્યું છે અને હજુ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં કેન્યા દેશની મિસ કેન્યા ૨૦૧૮ અંગેની ઓડિસન પ્રક્રિયા બાદ અંતિમ યાદીમાં ૨૬ સુંદરીઓ પસંદગી પામી હતી. આ તમામ યુવતીઓ વચ્ચે ગત તા. ૮મી સપ્ટેમ્બરના નૈરોબીના એક વિશાલ હોલ ખાતે મિસ કેન્યાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૨૬ પૈકી અંતિમ ત્રણ સુંદરીઓમાં મૂળ ભારતીય ફિનાલીની પસંદગી થઇ હતી. કેન્યાના ઉચ્ચ બુદ્ઘિ જીવીઓને જયુરી તરીકે સ્થાન આપી અંતિમ રાઉન્ડની શરુઆત કરવામાં આવી હતી. જેમાં રૂપની સાથે જે તે સ્પર્ધકની બુદ્ઘિમતા અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ અંગેની સભાનતા મપાય છે. જેમાં મૂળ ગુજરાતી યુવતીએ અન્ય બંને કેનીયન પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખી જયુરીઓના દિલ જીતી લઇ વિજેતા બની હતી. ફિનાલી કેન્યાના ઇતિહાસમાં પ્રથમ એવી યુવતી મિસ કેન્યા બની છે જે મૂળ ભારતીય આફ્રિકન છે. મૂળ ગુજરાતી યુવતી આગામી સમયમાં ચીન ખાતે યોજાનાર મિસ વર્લ્ડની સ્પર્ધામાં કેન્યા દેશનું પ્રતિનિધિત્વ કરશે. જામનગરના ઓસવાલ મહાજન સમાજે ફિનાલીની ફતેહ પર ગૌરવ અનુભવી ફિનાલીને અને તેના પરિવારને રાજય, દેશ અને સમાજને વિશ્વ સ્તરે લઇ જવામાં ભજવેલી ભૂમિકાને બિરદાવી ફિનાલીને મિસ વર્લ્ડ સ્પર્ધા માટેની શુભકામનાઓ પાઠવી છે.

(3:50 pm IST)