Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પોરબંદર-છાંયા નગરપાલિકાના શાસકો પ્રજાકીય સુવિધા આપવામાં નિષ્ફળઃ કોંગ્રેસ દ્વારા ધરણા બાદ આવેદન

પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ગટર પ્રશ્નોના ઉકેલ માટે તંત્ર ઉદાસીનઃ બાંધકામ મંજુરી ઓનલાઈનને બદલે મીનીટ્સ બુકની જૂની તારીખમાં મંજુરીની ફરિયાદો

પોરબંદર, તા. ૧૭ :. છાંયામાં ભાજપ શાસિત નગરપાલિકાના વહીવટકર્તાઓ પ્રજાકીય સુવિધા જેવી કે રસ્તા, પાણી, સફાઈ જેવી સુવિધા આપવામાં નિષ્ફળ જતા કોંગ્રેસના આગેવાનોએ ધરણા કરીને ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યુ હતું.

આવેદનમાં જણાવેલ કે, લોકોના પીવાના પાણી, લાઈટ, સફાઈ, રસ્તાઓ, ગટરોની સફાઈ વિગેરે સમસ્યાઓના ઉકેલ માટે નગરપાલિકાના અધિકારીઓ અને શાસકપક્ષના પદાધિકારીઓની ઉદાસીનતા દેખાઈ આવે છે.

હાલ ભરચોમાસામાં છાયાનગર પાલિકાના તમામ વિસ્તારોમાં દર પાંચથી સાત દિવસ પાણી આપવામાં આવે છે અને તે પણ પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ નથી. લોકોના ઘરમાં ફકત બે ચાર ડોલ જેટલું જ પાણી મળે છે. આટલા પાણીથી લોકોને પાણીની સમસ્યા દૂર થતી નથી અને લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. જેથી તાત્કાલીક અસરથી પાણી એકાંતરા અને પુરતા પ્રમાણમાં મળવુ જોઈએ તેવી પ્રજાજનોની માગણી છે.

ગત નગરપાલિકાની ચૂંટણી પહેલા ઘરે ઘરે પીવાના પાણીના કનેકશન આપવાના બહાને નગરપાલિકા દ્વારા પૈસા વસુલવામાં આવ્યા હતા અને કનેકશનો આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ આજદિન સુધીમાં આ કનેકશનોમાં પાણી આપવામાં આવ્યુ નથી. જે અંગે યોગ્ય કરવા વિનંતી.

ભૂગર્ભ ગટર બન્યા પછી નગરપાલિકા દ્વારા હાઉસ કનેકશન આપવાનું શરૂ કરેલ છે. તેમા લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને લોકોએ પોતે કનેકશન લેવું હોય તો ગટરની ડીઝાઈન મુજબ કનેકશન જોઈન્ટ કરવામાં મુશ્કેલી પડે છે. આથી હાઉસ કનેકશનના ચાર્જ ગરીબ લોકોને પરવડે તેવો રાખવો જોઈએ.

છાંયાના મોટાભાગના વિસ્તારો અને ખાસ કરીને જયાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો છે તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવતી નથી કે રીપેર કરવામાં આવતી નથી. પ્રજા એ પ્રજા હોય છે તેમને સવલ તો આપવામાં ભેદભાવ રાખવામાં આવે તે વ્યાજબી નથી. આથી છાંયામાં જે જગ્યાએ અંધારપટ છવાયેલ હોય તે જગ્યાએ તાત્કાલીક ધોરણે સ્ટ્રીટ લાઇટ નાખવાની માંગણી  છે. નગરપાલિકા દ્વારા રહેણાંક તેમજ કોમર્શીયલ મકાન, એપાર્ટમેન્ટ તથા કોમર્શીયલ દુકાનોના બાંધકામની મંજુરીમાં કમીટીની મીટીંગ બોલાવ્યા વગર ઠરાવો કર્યા વગર મંજુરીઓ આપીને લાખો રૂપિયાના ઉઘરાણા કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.  બાંધકામની મજુરીઓ છેલ્લા ત્રણ મહિનાથી ઓન લાઇન થઇ, પરંતુ ઓન લાઇન મંજુરી આપવાને બદલે મીનીટસ બુક ખુલ્લી રાખીને જુની તારીખોમાં પૈસા લઇને મંજુરીઓ બાંધકામ સમિતિના ચેરમેનના ઘરેથી આપવામાં આવે છે  તેમ કોંગ્રેસ આગેવાનોએ આપેલા આવેદનમાં જણાવીને યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે.

(2:04 pm IST)