Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વિંછીયાના નાના અને મોટા માત્રા ગામની સીમમાં ૮ લાખનો દારૂ પકડાયોઃ સ્‍ટેટ વિજીલન્‍સ અને આર.આર. સેલના દરોડા

સ્‍ટેટ વિજીલન્‍સે મોટા માત્રાની સીમમાંથી ૩.૧૪ લાખનો દારૂનો જથ્‍થો ઝડપી લીધા બાદ આર.આર. સેલે નાના માત્રા ગામની સીમમાંથી ૪.૮૭ લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યોઃ બન્ને રેઈડમાં છ આરોપીઓ છનન

રાજકોટ-વિંછીયા, તા. ૧૭ :. વિંછીયાના નાના અને મોટા માત્રા ગામની સીમમાં સ્‍ટેટ વિજીલન્‍સ અને આર.આર. સેલે દરોડા પાડી ૮ લાખનો દારૂનો જથ્‍થો ઝડપી લીધો છે. બન્ને રેઈડ દરમિયાન ૬ આરોપીઓ નાસી છૂટયા છે. સ્‍થાનિક પોલીસને ઉંઘતી રાખી અન્‍ય એજન્‍સીઓએ દરોડા પાડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રહેતા પરેશ ચોથા બેરાણી (કોળી) તથા પરબત મથુર વાટકીયા (કોળી) એ મોટા માત્રા ગામની સીમમાં બાવસરભાઈ ગભરૂભાઈ અલગોતરની વાડીમાં દારૂનો જથ્‍થો ઉતાર્યો હોવાની બાતમી સ્‍ટેટ મોનીટરીંગ સેલને મળતા પીએસઆઈ એસ.એમ. રામાણી તથા મહેન્‍દ્રસિંહ સહિતના સ્‍ટાફે ઉકત સ્‍થળે રેડ કરી દારૂની બોટલ નંગ ૮૦૬ કિં. રૂા. ૩.૧૪ લાખનો જથ્‍થો ઝડપી લીધો હતો. સ્‍ટેટ વિજીલન્‍સે ઉકત ત્રણેય આરોપીઓ સામે વિંછીયા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરાવ્‍યો હતો.

સ્‍ટેટ વિજીલન્‍સની રેડ બાદ આર.આર. સેલના પીએસઆઈ એમ.પી. વાળા તથા સ્‍ટાફે ગઈકાલે રાત્રે વિંછીયાના મોટા માત્રા ગામની સીમમાં વધુ એક દરોડો પાડી ૪.૮૭ લાખનો દારૂનો જથ્‍થો ઝડપી લીધો હતો.

વિંછીયાના પ્રતિનિધિ પિન્‍ટુ શાહના અહેવાલ મુજબ વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં રવિભાઈ રાણાભાઈ અલગોતર - પોલીસ કોન્‍સ. આર.આર. સેલે ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં આરોપી તરીકે (૧) વિપુલ ઓઘાભાઈ કોળી - સમઢીયાળા (૨) અશ્વિન રૂખડભાઈ ખાચર-કાઠી દરબાર-મોટા માત્રા (૩) મનુભાઈ ધાંધલ-ગંગાજળવાળાના નામ આપ્‍યા છે. ફરીયાદમાં વધુમાં જણાવ્‍યા મુજબ પૂર્વ બાતમીના આધારે તા. ૧૬ના રાત્રે ૮ વાગ્‍યે નાના માત્રા ગામની સીમમાં ભાદર નદીના ચેકડેમ પાસે મનુભાઈ ધાંધલની વાડીમાં ઓરડી અંદર તલાસી લેતા તેમા વિદેશી દારૂની ૧૨૮૨ નંગ બોટલ કિં. ૪,૮૭,૮૦૦ તથા બિયર નંગ ૧૦૮ કિં. રૂા. ૧૦,૮૦૦ મળી આવતા કબ્‍જે લઈ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ બનાવની આર.આર. સેલે વધુ તપાસ હાથ ધરી છે.

બન્ને એજન્‍સીની રેડના પગલે રૂરલ ક્રાઈમ બ્રાંચે પણ વિંછીયાના મોટા હડમતીયા ગામે રેડ કરી કાળુ આંબાને ૧૨ બોટલ દારૂ કિં. ૧૮૦૦ સાથે ઝડપી લીધો હતો.

(2:10 pm IST)