Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

થાનગઢના સવજી સથવારાનું એસીડીટીની સારવાર લીધા બાદ મોતઃ રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

છાતીમાં બળતરા થતી હોઇ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બે ઇન્‍જેક્‍શન લીધા બાદ ઘરે આવી બાથરૂમમાં ઢળી પડયો : પાંચ બહેનનો એક જ ભાઇ હતોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૭: થાનગઢ શક્‍તિ સોસાયટીમાં રહેતાં સવજીભાઇ પરષોત્તમભાઇ મકવાણા (ઉ.વ.૩૧)ને ગઇકાલે છાતીમાં બળતરા થતી હોઇ એસીડીટી ઉપડી હોવાનું લાગતાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં દવા-સારવાર લેવા ગયો હતો. ત્‍યાંથી ઘરે આવી પોતાને બે ઇન્‍જેક્‍શન અપાયાનું કહી બાથરૂમમાં ગયો હતો. પણ લાંબો સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં અંદરથી બેભાન મળતાં હોસ્‍પિટલે ખસેડાયો હતો. પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. સારવારમાં ખામી રહી જતાં મોત નિપજ્‍યું કે અન્‍ય કોઇ કારણોસર? તે જાણવા પરિવારજનોએ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમની માંગણી કરતાં મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. કરૂણતા એ છે કે મૃત્‍યુ પામનાર સવજીભાઇ પાંચ બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. પણ પત્‍નિ લાંબા સમયથી રિસામણે છે. થાન પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:57 pm IST)