Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વિંછીયાના કંધેવાડીયામાં નવોઢા સગર્ભા લત્તા ગોરાસાને સાસુએ જીવતી સળગાવી

રોટલા ઘડવામાં વાર કેમ લાગે છે? કહી કેરોસીન છાંટી કાંડી ચાંપીઃ પતિએ આગ બુઝાવીઃ ગુંદાળા માવતર ધરાવતી દેવીપૂજક યુવતિના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છેઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૭: વિંછીયાના કંધેવાડીયા ગામે રહેતી નવોઢા સગર્ભા લત્તા ગોવિંદ ગોરાસા (ઉ.૨૨) નામની દેવીપૂજક યુવતિને તેના સાસુ મંજુબેને ૧૫મીએ સવારે કેરોસીન છાંટી સળગાવી દેતાં પાળીયાદ, બોટાદ, જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. રોટલા ઘડવામાં વાર કેમ લાગે છે? તેમ કહી સાસુએ સળગાવી દીધાનું લત્તાએ જણાવ્‍યું હતું.

સિવિલ હોસ્‍પિટલના બિછાને રહેલી લત્તાના માતા ધુળીબેન અમુભાઇ પાટડીયાએ કહ્યું હતું કે દિકરી લત્તાના લગ્ન પાંચ મહિના પહેલા જ કંધેવાડીયાના ગોવિંદ જયંતિભાઇ ગોરાસા સાથે થયા છે. ગોવિંદ ભંગારનો ધંધો કરે છે. દિકરીના પેટમાં બે માસનો ગર્ભ પણ હોવાનું તેણીએ કહ્યું હતું. લત્તાએ જણાવ્‍યું હતું કે તેણી રોટલા ઘડતી હતી ત્‍યારે સાસુએ ઝડપથી રોટલા ઘડવાનું કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં કેરોસીન રેડી કાંડી ચાંપી દીધી હતી.

પોતે દેકારો કરવા માંડતા પતિ દોડી આવ્‍યો હતો અને આગ બુઝાવી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે વિંછીયા પોલીસને જાણ કરી હતી.

(12:44 pm IST)