Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કાલથી કાલાવડના રણુંજાધામમાં ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૧૭ : કાલાવડ તાલુકામાં સુપ્રસિદ્ધ રણુજા ધામ કે જયાં શ્રી રામદેવજી મહારાજનું મંદિર આવેલ છે. દર વર્ષે ભાદરવા સુદ નોમથી અગીયારસ એમ ત્રણ દિવસ ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે સવારે નવ કલાકે હિરાબાપાની જગ્યામાં આવેલ રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે અને લોકો માટે મેળો ખુલ્લો મૂકવામાં આવશે.

ત્રણ દિવસ મેળામાં શ્રી રામદેવ દેવસ્થાન સમિતિ (જુની જગ્યા) દ્વારા ભકિત, ભજન અને ભોજનના ત્રિવેણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તા. ૧૮ ને મંગળવારે રાત્રે ૯ કલાકે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવી ભીમાભાઇ ોુલાભાઇ મેર-આદિત્યાણાવારાની કાનગોપી, બુધવારે રાત્રે સંતવાણી જેના કલાકારો સુરેશ રાવળની સાથે રસ્મીતાબેન રબારી, હાસ્ય કલાકાર હરદેવભાઇ આહીર, મધર સાઉન્ડ-ધ્રોલના સથવારે રમઝટ બોલાવશે તેમજ ગુરૂવારે રાત્રે દેવલબેન ભરવાડની સાથે રવિભાઇ ચૌહાણ, હાસ્ય કલાકાર વિજયભાઇ ગઢવી મોજ કરાવશે.

રામદેવપીર મંદિરે (હીરાબાપાની જગ્યામાં) કાયમી સદાવત એટલે કે પ્રસાદીરૂપે ભોજન આપવામાં આવે છે. મેળાને ધ્યાનમાં રાખીને મંદિર તરફથી ૭૦ મણ લોટના ગાઠીયા, ૬૦ મણ ખાંડની ગુંદી તેમજ પ૦ મણ ચણા ભોજન માટે બનાવવામાં આવેલ છે અને આશરે સાંઇઠેક હજારથી પણ વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે. (૮.૭)

(12:15 pm IST)