Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હળવદના વેગડવાવ ગામે બે વર્ષ પહેલા પેટા આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન તો થયું પણ નિયમીત ચાલુ કરવાનું ભુલાઇ ગયું! પેટા કેન્દ્ર બંધ રહેતા ગરીબ દર્દીઓને ફરજીયાત હળવદ સુધીનો ધકકો થાય છે.

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૭: તાલુકાના રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વેગડવાવ ગામનું પેટા કેન્દ્ર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી આજુબાજુના વિસ્તારના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલું જ નહીં વેગડવાવ ગામમાં આવેલ સબ કેન્દ્રનું બે વર્ષ પહેલા લોકાર્પણ થયું હતું અને છેલ્લા એક વર્ષથી બંધ હોવાથી સબ સ્ટેશન ખુદ બિમાર અવસ્થામાં પડયું છે ત્યારે વેગડવાવ ગામે બંધ પડેલ દવાખાનું દર્દીઓના સારવાર માટે વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઈ છે.

તાલુકાના વેગડવાવ ગામે આવેલ રણમલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પેટા આરોગ્ય કેન્દ્ર છે જે છેલ્લા એક વર્ષથી બંધ છે અને વેગડવાવ ગામની આજુબાજુ આવેલ મંગળપુર, લીલાપુર, બુટવડા, જુના વેગડવાવ, માલણિયાદ ગામના લોકોને છેક નાની-મોટી બિમારીની સારવાર માટે હળવદ સુધી લાંબુ થવું પડે છે.

આ અંગે ગામના આગેવાન બુધાભાઈએ જણાવ્યું હતું કે, વેગડવાવ ગામે દવાખાનું સતત બંધ રહેવાથી અમને બિમારીનો ઈલાજ કરાવવા હળવદ સુધી લાંબુ થવું પડતું હોવાથી સમય અને નાણાનો વ્યવ થાય છે. વધુમાં જણાવ્યું હતું કે, ગામની ફરતે વાડી વિસ્તારમાં રહેતા મજુરોને અવારનવાર રોગમાં સપડાતા હોય છે તેમજ સર્પ દંશ ઉપરાંત ગર્ભાવસ્થા બહેનોને પ્રસૃતિ માટે સારવાર ઉપલબ્ધ ન થતા જીવ ગુમાવવાનો વખત આવે છે તો સાથોસાથ સમગ્ર પંથકમાં મિશ્ર ઋતુ હોવાથી શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવી બિમારીમાં દર્દીઓ સપડાતા હોય છે ત્યારે વહેલી તકે વેગડવાવના પેટા આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી રહે અને દવાખાનું નિયમ મુજબ શરૂ થાય તેવી માંગ ગામલોકોએ કરી છે.(૨૩.૨)

(12:14 pm IST)