Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાવનગરના સિહોરની ધ્રુજાવી દેતી ઘટનાઃ બુટલેગરની ભયાનક ધમકીથી થાકીહારીને પોલીસ મથકમાં જ યુવકે જીવતા સળગી જઇને જીવ દીધો

કેરોસીનનાં ૪ શીશા લઇને આવેલા ગીરીશ જીવરાજભાઇ બારૈયા (ઉ.વ.૪૦)એ પોલીસ સ્‍ટાફની નજર સામે જ અગિ્નસ્‍નાન કરતા અરેરાટી

ભાવનગર : સિહોર પોલીસ મથકમાં જ બુટલેટરની ધમકીથી ડરી ગયેલા દલિત યુવાને કેરોસીન છાંટી આત્‍મવિલોપન કરી લેતાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.(તસ્‍વીરઃ મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

ભાવનગર તા.૧૭: ભાવનગરનાં સિહોરમાં બુટલેગરે ધમકી આપતાં દલિત યુવાને સિહોર પોલીસ સ્‍ટેશનમાં જ કેરોસીન છાંટી દઇ આત્‍મવિલોપન કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. દારૂનો મસમોટો જથ્‍થો ઝડપાયા બાદ તું પોલીસને બાતમી આપે છે તેમ કહી તારે નુકસાનનાં રૂપિયા આપવા પડશે તેવી બુટલેગરે ધમકી આપતાં યુવાને પોલીસ મથકમાં જ સળગી જઇ આપઘાત વહોરી લેતાં તંત્ર પણ ચોંકી ઉઠયું છે.

આ બનાવની વિગતો એવી છે કે સિહોરની એકતા સોસાયટીમાં રહેતા અને સિહોરની હોસ્‍પિટલમાં નર્સિગ વિભાગમાં અગાઉ કામ કરતાં દલિત ગીરીશભાઇ જીવરાજભાઇ બારૈયા (ઉ.વ.૪૦) એ ગઇ કાલે સાંજે થેલીમાં કેરોસીનનો ડબ્‍બો લઇ સિહોર પોલસ સ્‍ટેશન ગયો હતો અને પોલીસ મથકનાં બીજા માળે જવાની સીડી પાસે એકાએક થેલામાંથી કેરોસીન બહાર કાઢી જાતે શરીર પર છાંટી દિવાસળી ચાંપી દેતા તે ભડભડ સળગવા લાગેલ. ફરજ પરના પોલીસ કર્મીઓએ દોડી જઇ આગને બુજાવી નાખી તેમને ગંભીર હાલતે હોસ્‍પિલ ખસેડાયેલ જયાં મોડી રાત્રે તેનું મોત નિપજયું હતું.

આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો હોસ્‍પિટલ દોડી ગયો હતો. દલિત સમાજનાં આગેવાનો પણ હોસ્‍પિટલ દીડી ગયા હતા.

મૃતક યુવાન ગીરીશ ને સિહોરનાં કુખ્‍યાત અને માથાભારે શખ્‍સ જયેશ ભાણજીએ તારી બાતમીને કારણે પોલીસે દરોડા પાડયા છે અને તારે રૂપિયા આપવા પડશે તેમ કહી ધમકી આપી હોય જયેશે પોલીસ મથકમાં જઇ આ પગલું ભર્યું હોવાનું બહાર આવેલ છે અને તેણે તેના મરણોતર નિવેદનમાં જણાવ્‍યું હતું. આ બનાવથી એસ.પી.પી.એમ. માલ અને અન્‍ય અધિકારીઓ દોડી ગયા હતા. આ બનાવે દલિત સમાજમાં રોષની લાગણી ફેલાવી છે.

દરમ્‍યાન આત્‍મવિલોપનનાં પગલે તંત્ર પણ સર્તક બન્‍યું છે અને બુટલેગર સામે કડક કાર્યવાહી કરાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું.

પોલીસ મથકમાં જ આત્‍મવિલોપન કરનાર યુવાનને ધમકી આપનાર બુટલેગરને ત્‍યાંથી તાજેતરમાં જ દારૂનો મોટો જથ્‍થો ઝડપાયો હતો.

(11:37 am IST)