Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જુનાગઢ, ભવનાથ, મેંદરડામાં હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

સોરઠનાં અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

જૂનાગઢ તા. ૧૭ :.. જુનાગઢ, ભવનાથ અને મેંદરડા વિસ્તારમાં ફરી મેઘરાજાએ મંડાણ કર્યા છે. સોરઠનાં અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે.ગત શનીવારે મેઘરાજાએ જિલ્લાને તરબોળ કરી દીધો હતો. આજે એક અઠવાડીયા બાદ જોરદાર મેઘાવી માહોલ જામ્યો છે. જેના પગલે સવારથી જૂનાગઢ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ શરૂ થયો છે.જુનાગઢમાં સવારથી મેઘાએ ઝાપટા વરસાવાનું શરૂ કર્યુ છે. ભવનાથ અને ગીરનાર પર્વત તેમજ દાતારનાં પર્વતીય વિસ્તારમાં સવારે ૯ થી ૯.૩૦ દરમ્યાન ભારે વરસાદનું ઝાપટુ વરસતા થોડી જવારમં માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતાં.

સવારના ૬ થી ૧૦ના પ્રારંભિક ૪ કલાક દરમ્યાન જૂનાગઢ ખાતે પાંચ મીમી વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢની માફક મેંદરડા વિસ્તારમાં પણ સવારથી જ મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરતાં બે મી.મી. પાણી પડયાનું નોંધાયું હતું. સોરઠનાં અન્ય વિસ્તારોમાં હળવી મેઘકૃપા હોવાનાં સમાચાર છે.

પરંતુ નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી એક સપ્તાહની વરાપ બાદ ધરતીપુત્રો ધમાકેદાર વરસાદની અપેક્ષા રાખી રહ્યા છે.

(12:02 pm IST)