Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

નલિયાના તેરા ગામે પરિણીત શખ્સ દ્વારા કરાતી બિભત્સ માંગણી અને બ્લેકમેઇલ કરાતા પરિણીતાનો આપઘાત

સમાજ દ્વારા સમજાવટ છતાંયે પરેશાન કરાતાં ત્રણ સંતાનોની માતાએ કર્યો આપઘાતઃ નલિયા પોલીસે ૩૦ કલાક પછી ફરિયાદ નોંધતા ચકચાર

ભુજ, તા.૧૭: નલિયા નજીકના તેરા ગામે ૩૦ વર્ષીય યુવા પરિણીતાના આપદ્યાતના બનાવે અને તે મુદ્દે ૩૦ કલાક પછી નલિયા પોલીસે નોંધેલી ફરિયાદે તાલુકા સાથે જિલ્લાભર માં ચકચાર સર્જી છે. ત્રણ સંતાનોની માતા એવી રિઝવાના મજીદ લોધરા નામની ૩૦ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું હતું. મૃતક યુવતીના પતિએ ગામના પરિણીત યુવાન રઝાક મુસા મંધરા વિરુદ્ઘ પોતાની પત્ની રિઝવાનાને છેડતી દ્વારા હેરાન કરવા તેમ જ બ્લેક મેઇલિંગ કરીને પોતાની સાથે શરીર સબંધ બાંધવા માટે મજબૂર કરી ધાકધમકી કરવાનો આક્ષેપ કરીને તેણીને મરવા માટે મજબૂર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક યુવતી રિઝવાનાંને આપદ્યાત પૂર્વે સવારે રઝાકે બાવડું પકડી છેડતી કરી પોતાની સાથે સબંધ રાખવા દબાણ કર્યું હતું. દરમ્યાન મૃતક યુવતીના પતિ અને પરિવારજનોએ આરોપી યુવાનને સમાજ દ્વારા સમજાવટનો પ્રયાસ કર્યો હતો પણ તેમ છતાંયે તેણે રિઝવાનાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, આપદ્યાતના બનાવ બાદ નલિયા પોલીસે ૩૦ કલાકે પોલીસ ફરિયાદ નોંધતા પરિવારજનો અકળાયા હતા.

(11:42 am IST)